- વડોદરાના દાદીમાએ મેળવી ડૉક્ટરેટની પદવી
- 67 વર્ષની ઉંમરે 50 વર્ષ જૂનું સપનુ સાકાર કર્યું
- મહારાષ્ટ્રથી જૈનીઝમમાં ડૉક્ટરેટની પદવી મેળવી
ન્યૂઝ ડેસ્ક : જે લોકો કંઈક કરવાની મહેચ્છા ધરાવતા હોય, તેમના માટે ઉંમર એ માત્ર આંકડા સમાન છે. આ વાક્યને સાચું સાબિત કરતો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. બાળપણથી જ પોતાના નામ આગળ 'Dr' ની પદવી લાગે તેવી મહેચ્છા ધરાવતા અને અંગત કારણોસર 20 વર્ષની વયે પોતાનો અભ્યાસ છોડનારા ઉશા લોડાયાએ 67 વર્ષની ઉંમરે જૈનીઝમ (Jainism) માં ડૉક્ટરેટની પદવી મેળવીને પોતાનું 50 વર્ષ જૂનું સપનુ સાકાર કર્યું છે.
પોતાના ગુરૂજી પાસેથી મળી પ્રેરણા
વડોદરાના હરણી રોડ ખાતે રહેતા ઉશા લોડાયાએ તેમના ગુરૂ અને જૈનીઝમ (Jainism) ના સ્કોલર જયદર્શિતાશ્રીજી મહારાજથી પ્રેરાયા હતા. જ્યારબાદ તેમણે મહારાષ્ટ્ર સ્થિત શેત્રુંજય એકેડમીમાં જૈનીઝમ ગ્રેજ્યુએટ કોર્ષમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારબાદ તેમાં જ આગળ વધુ અભ્યાસ કરીને તેમણે જૈનીઝમની 12 ભાવના અને પરભાવના વિષય પર ડૉક્ટરેટ ડિગ્રી માટે અભ્યાસ શરૂ કર્યો હતો. રવિવારના રોજ તેમણે આ વિષય પર ડૉક્ટરેટની પદવી મેળવવાનો અંતિમ પડાવ વાઈવા પૂર્ણ કર્યો હતો.
વધુ વિદ્યાર્થીઓને મદદ કરવાની છે મહેચ્છા
ઉષા લોડાયાએ જણાવ્યું હતું કે, "કોલેજમાં B.Sc ના પ્રથમ દિવસથી જ મને ડૉક્ટર બનવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ લગ્ન થવાના હોવાથી 20 વર્ષની ઉંમરે કોલેજમાંથી ડ્રોપ આઉટ થવું પડ્યું હતું. જોકે, ગુરૂજીની પ્રેરણાથી જૈન ધર્મનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાની તક મળી. હું ખુદ જૈન હોવાથી આગળ પણ હું ધર્મનો અભ્યાસ કરવા ઈચ્છું છું અને સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને તેમાં મદદ કરવા ઈચ્છું છું."