- વડાપ્રધાનના જન્મપર્વની ઉજવણીના સંવેદનાસભર અને કરુણાસભર કાર્યક્રમ યોજાયો
- કાર્યકરોને સેવા પરમ ધર્મની નીતિ જાહેર જીવનમાં અનુસરવા કર્યો અનુરોધ
- વન અને પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણા પણ કાર્યક્રમમાં જોડાયા
વડોદરા: શહેર ભારતીય જનતા પાર્ટી આયોજિત વડાપ્રધાનના જન્મપર્વની ઉજવણીના સંવેદનાસભર અને કરુણાસભર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ રંજનબહેન, મેયર કેયુર રોકડીયા, પૂર્વપ્રધાન યોગેશ પટેલ, ધારાસભ્યો અને પ્રદેશ સંગઠનના મહાપ્રધાન ભાર્ગવ ભટ્ટ અને પદાધિકારીઓ તેમની સાથે જોડાયા હતા. શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ અને ભાર્ગવ ભટ્ટે ગડકરીનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું.
આધુનિક ટેક્નોલોજીના વિનિયોગથી દેશને અભૂતપૂર્વ વિકાસના પંથે લઇ જવાય છે
આ કાર્યક્રમમાં ભારત સરકારના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે, વિશ્વમાં ભારતને એક નંબરની તાકાત બનાવવીએ વિસ્તારવાદી નીતિ નહિ સહુને સમાન તકો આપતાં સમભાવી વિશ્વના સર્જનની કલ્પના છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને નીતિમત્તાને જાળવીને આધુનિક ટેક્નોલોજીના વિનિયોગથી દેશને અભૂતપૂર્વ વિકાસના પંથે લઇ જઇ રહ્યા છે.
વડાપ્રધાનના જન્મપર્વની ઉજવણી હાલમાં ગ્રીન હાઈડ્રોજન પર કામ થઈ રહ્યું છે
આજે આપણે ખૂબ ઉત્સાહથી વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તેમણે સંઘના પ્રચારક તરીકે દેશને જીવન સમર્પિત કર્યું અને સેવાની રાજનીતિ, રાષ્ટ્રકારણ અને સમાજ કારણના માર્ગે દલિતો, પીડિતો અને શોષિતોના કલ્યાણ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા કેળવી તેનો ઉલ્લેખ કરતાં ગડકરીએ જણાવ્યું કે, તેઓ ભય, ભૂખ અને આતંકથી મુક્તિને અગ્રતા આપીને મૂલ્ય આધારિત રાજનીતિથી દેશનું ઘડતર કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, હાલમાં ગ્રીન હાઈડ્રોજન પર કામ થઈ રહ્યું છે.
ગ્રીન હાઈડ્રોજનની નિકાસ કરનારો દેશ બનાવવાની દિશામાં આપણે અગ્રેસર છે
ભારતને ઊર્જા આયાત કરનારા દેશમાંથી ઊર્જાની નીર્યાત કરનારો, ગ્રીન હાઈડ્રોજનની નિકાસ કરનારો દેશ બનાવવાની દિશામાં આપણે અગ્રેસર છે. તેમણે પંડિત દીનદયાળ, શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી બાજપાઈ જેવા પૂર્વ સુરીઓએ બતાવેલા મૂલ્ય આધારિત રાષ્ટ્ર નિર્માણના માર્ગને અનુસરવાની હિમાયત કરી હતી. તેમણે જ્ઞાનને સમૃદ્ધિમાં રૂપાંતરિત કરીને દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર પર ભાર મૂક્યો હતો.
પૂર્વપ્રધાન યોગેશ પટેલ અને ધારાસભ્યો કાર્યક્રમમાં જોડાયા
શહેર ભારતીય જનતા પાર્ટીને સેવા સમર્પણના કાર્યક્રમના આયોજન દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી માટે અભિનંદન આપ્યા હતા. શહેર પક્ષ અધ્યક્ષ ડો. વિજય શાહે જરૂરિયાતમંદોની સહાયતા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની વ્યાપક ઉજવણીની રૂપરેખા આપી હતી. સાંસદ રંજનબહેન ભટ્ટે આભાર દર્શનમાં કાર્યક્રમની લાભાર્થી બહેનોને વડાપ્રધાનના જન્મદિવસના ભેટરૂપે સાડીઓ આપવાના સૌજન્યની ઘોષણા કરી હતી. પૂર્વપ્રધાન યોગેશ પટેલ અને ધારાસભ્યો કાર્યક્રમમાં જોડાયા હતા.