- વાડી વચલી પોળમાં આવેલા બંધ મકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી
- ફાયરબ્રિગેડના જવાનોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો
- શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
વડોદરા: શહેરના વાડી વચલી પોળમાં આવેલા એક મકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આ અંગે દાંડિયાબજાર ફાયરસ્ટેશનને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
મકાનમાલિક પોતે કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ
વાડી વચલી પોળમાં જેમના મકાનમાં આગ લાગી તે વ્યક્તિ કમલેશભાઈ શાહ કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે, પરિવારના બે સભ્યો અન્ય મકાનમાં હોમ ક્વોરેન્ટાઈન થયેલા છે, ઉપરાંત તેમના મકાનની બાજુમાં પણ બે વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત છે. એકાએક કમલેશભાઈના બંધ મકાનમાં આગ લાગતા વિસ્તારના રહીશો ભેગા થયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી તાત્કાલિક દાંડિયાબજાર ફાયર સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.