- ભાયલીના સ્થાનિક રહીશોનો કલેકટરને આવેદન
- TP 1થી 5ને આસાનધારામાં સમાવેશ કરવાની માગ
- સ્થાનિક લોકોની માંગ નહીં સ્વીકારાય તો ચૂંટણીનો બહિષ્કાર
વડોદરા :ભાયલી તથા ટીપી 1થી 5ના વિસ્તારમાં બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો વિધર્મીઓને ફાળવવામાં આવ્યા છે. છેલ્લા 2 માસથી વિસ્તારના રહીશો દ્બારા વિધર્મીઓને ફાળવવામાં આવેલા આ મકાનો રદ કરવા માટે સત્તાવાળાઓને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી તથા આ વિસ્તારનો અશાંતધારામાં સમાવેશ કરવા માટે જણાવાયું છે. પરંતુ તંત્ર દ્બારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે રવિવારે સ્થાનિક રહીશો દ્બારા ભાયલી વિસ્તારને અશાંતધારામાં સામાવેશ કરવાની માગ સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકોની માંગ નહીં સ્વીકારાય તો ચૂંટણીનો બહિષ્કાર
પોસ્ટરો, બેનરો સાથે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રહીશો દ્બારા ભાયલી વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવાની માંગના સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આવેદનપત્ર આપવા માટે ભાયલી મહિલા વીંગની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. ભાયલી વિસ્તારના અગ્રણી હેતલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાયલી વિસ્તાર શાંત રહે તેવું અમે ઈચ્છીએ છે. પરંતુ કોર્પોરેશન દ્વારા ભાયલી વિસ્તારમાં બનાવવામાં આવેલા આવસોમાં વિધર્મીઓને મકાનો ફાળવવામાં આવે છે. જેના કારણે આગામી દિવસોમાં ભાયલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.આથી અમારા વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવા અમારી માંગણી છે. જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી કોર્પોરેશનની ચૂંટણીનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરીશું.
વિધર્મીઓને આવાસો ફાળવવામાં આવતાં શાંતિ જોખમાશે તેવી દલીલ
દ્રષ્ટિબેન પંચાલ અને મિતલબેન પટેલે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં વિધર્મીઓને આવસો ફાળવવામાં આવતાં વિસ્તારની શાંતિ આવનારા દિવસોમાં ડહોળાશે તેવી શક્યતાઓ છે. અમારા વિસ્તારની બાજુમાં અડીને આવેલો તાંદલજા વિસ્તાર એ લઘુમતી વિસ્તાર છે. જેથી અમારે સતત દહેશતમાં રહેવું પડે છે. અમે ઇચ્છીએ છીએ કે, અમારા વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે માટે અમારા વિસ્તારને વહેલી તકે અશાંતધારામાં સમાવેશ કરવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે. જો અમારી માંગણી સંતોષવામાં નહિ આવે તો આગામી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું.