- વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક(Vadodara International Airport)ને સર સયાજીરાવ ગાયકવાડ નામ આપવાની માગ
- વડોદરા શહેરના સૌથી મોટા 4 સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત
- માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી
વડોદરા : શહેરમાં તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ( Vadodara International Airport )ને સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ( Sir Sayajirao Gaekwad International Airport ) નામ આપવાની માગ સાથે શહેરના ચાર વિવિધ સંગઠનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
તાજેતરમાં વડોદરા હવાઇ મથકને આંતરરાષ્ટ્રીય હવાઇ મથકમાં તબદીલ કરવા સરકાર દ્વારા મંજૂરી અપાઈ
સ્માર્ટ સિટી વડોદરામાં હવે આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બનવા જઈ રહ્યું છે. થોડા સમય પૂર્વે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્ર સરકારની અનુમતિ સાથે મંજૂરી આપવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકને સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ( Sir Sayajirao Gaekwad International Airport ) નામ આપવામાં આવે તેવી માગ વડોદરા શહેરના વિવિધ ચાર સંગઠનો જેમાં અખિલ મહારાષ્ટ્ર યુવા સંગઠન, શિવસેના, વડોદરા શહેર મહારાષ્ટ્રીયન યુવા સંગઠન તથા NCP દ્વારા સંયુક્ત રીતે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર ડી. આર. પટેલને આવેદનપત્ર આપીને કરવામાં આવી છે.