- અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ
- વાઘોડિયાના બાહુબલી મધુ શ્રીવાસ્તવનો પુત્ર છે દિપક શ્રીવાસ્તવ
- ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ ઉઠાવ્યો હતો વાંધો
વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં વોર્ડ નંબર 15ના અપક્ષ ઉમેદવાર સામે ભાજપના ઉમેદવારે કરેલી વાંધા અરજીને પગલે અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દિપક શ્રીવાસ્તવ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર છે.
દિપક શ્રીવાસ્તવનું ઉમેદવારી ફોર્મ રદ દિપક શ્રીવાસ્તવને 3 સંતાન છે
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે સોમવારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 15ના ઉમેદવારોની ફોર્મ ચકાસણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. ધારાસભ્યના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે ભાજપના ઉમેદવાર આશિષ જોષીએ ફોર્મ રદ કરવાની માગ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી હતી. જેમાં દિપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાથી તે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
દિપક શ્રીવાસ્તવ વિલા મોઢે પરત
ચૂંટણી અધિકારી સમક્ષ હજીતો ત્રણ સંતાન બાબતની વાંધા અરજીમાં ચૂંટણી અધિકારી કોઈ નિર્ણય લે તે પહેલાં જ ભાજપના વોર્ડ નંબર 15ના ઉમેદવાર આશિષ જોષી દ્વારા દિપક શ્રીવાસ્તવ પર 4 મિલકતોનો મિલકત વેરો બાકી હોવાની વાંધા અરજી પૂરાવા સહિત રજૂ કરી હતી. જેથી બીજી વાંધા અરજી રજૂ થતાની સાથે જ મધુ શ્રીવાસ્તવ અને દિપક શ્રીવાસ્તવના સમર્થકોએ ઉહાપોહ મચાવ્યો હતો. ચૂંટણી અધિકારીના કેબિનમાં ભાજપના ઉમેદવાર આશિષ જોશી જતાની સાથે જ તેમને બહાર કાઢવાની માગ સાથે ચૂંટણી અધિકારીને અપશબ્દો કહ્યા હતા. આ બનાવને પગલે પોલીસ કાફલો ચૂંટણી અધિકારીની કચેરીએ દોડી આવ્યો હતો અને ઉમેદવારોના તમામ સમર્થકોને બહાર કાઢી ઓફિસ ખાલી કરાવી હતી. ત્યારબાદ ચૂકાદો આવતા વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવાર આશીષ જોશીના ટેકેદારોમાં ખુશીનો માહોલ છવાયો હતો, જ્યારે દિપક શ્રીવાસ્તવ વિલા મોઢે પરત ફર્યા હતા.