- વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો
- કોરોના સંક્રમણને લઈ વડોદરામાં રાત્રિના 9થી સવારના 6 સુધી નાઈટ કરફ્યૂ
- શનિવાર અને રવિવારે મોલ અને થીએટર બંધ રાખવાનો કરાયો નિર્ણય
વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત બાદ હવે વડોદરા શહેરમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે, તેને લઈને તંત્ર પણ દોડતું થયું છે. ત્યારે OSD વિનોદ રાવે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશ્નર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
નાગરિકોને બીનજરૂરી બહાર ન નિકળવા અપીલ
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદની જેમ વડોદરા શહેરમાં પણ નાઈટ કરફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવશે. વડોદરામાં આવતીકાલે શનિવારથી રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાત શનિ અને રવિવારે મોલ અને થીએટર પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે નાગરિકોને પણ બીન જરૂરી બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી છે. જોકે, દિવસ દરમિયાન બસો દોડાવવામાં આવશે. બસની અંદર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે.