- વડોદરાના કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરોના અધધ કોરોના બીલ!
- કોરોનાની સારવાર માટેના રૂ. 30 લાખના બીલનો ખર્ચો પાલિકાને માથે!
- સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાની વડી કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું
વડોદરા: મહાનગરપાલિકાના 20 જેટલા કોર્પોરેટરો તથા પૂર્વ કોર્પોરેટરોએ કોવિડ સારવાર માટે સહાય મેળવવા રૂ. 4 લાખની મર્યાદામાં થયેલા ઠરાવ મુજબ અંદાજે 30 લાખ રૂપિયાના બીલ રજૂ કરી સવલત મેળવતા વિવાદ સર્જાયો છે. આ અંગે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ વાંધો ઉઠાવતા કોર્પોરેટરોને અપાતી આ સહાય તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને તે રકમમાંથી ગરીબ લોકોને સહાય આપવામાં આવે તેવી માગ કરી હતી.
ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ધનાઢ્ય કોર્પોરેટરોને સહાયની શી જરૂર?
સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે શહેરના વિકાસની જવાબદારી ધરાવનાર નગરસેવકને કોરોના વાઇરસની મહામારીના સમયમાં તંત્ર તરફથી સુવિધાઓ મળવી જોઈએ, પરંતુ તેનો દુરુપયોગ થાય તે પરિસ્થિતિ ચિંતાજનક છે. તેમાં પણ જ્યારે પાલિકાની આર્થિક પરિસ્થિતિ ખુદ કથળેલી હોય ત્યારે ધનાઢ્ય કોર્પોરેટરોએ તો સ્વખર્ચે જ સારવાર કરાવવી જોઇએ. તેમની સહાયના જે રૂપિયા બચે તેનો ગરીબ વર્ગના લોકો માટે ઉપયોગ થાય તેવું આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત મોટાભાગના કોર્પોરેટરો સરકારી હોસ્પિટલોનો ભરોસો ન હોય તેમ ખાનગી હોસ્પિટલનો સહારો લઈ રહ્યા છે. આ પણ વિચારવા જેવી બાબત છે. આમ તેમણે રૂ. 4 લાખની કોર્પોરેટરોને અપાતી સહાય તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને તે રકમમાંથી ગરીબ લોકોને સહાય મળે તેવી માગ કરી હતી.
સામાજીક કાર્યકર અતુલ ગામેચી