- શિયાબાગ વિસ્તારમાં ફરી ઉઠી દૂષિત પાણીની સમસ્યા
- પાણીની સમસ્યા નિરાકરણ ન આવતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો
- ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે મૂકીવામાં આવી પાણીની વિશેની સમસ્યા
વડોદરાઃ શહેરના શિયાબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે અને આ વિસ્તારમાં પાણીનો વિકટ પ્રશ્ન છે, ત્યારે ચૂંટણી પૂર્ણ થતા હવે નાગરિકો પ્રાથમિક સુવિધા વિશેની સમસ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે મૂકી રહ્યા છે. વર્ષોથી પાણીની સમસ્યા નિરાકરણ ન આવતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
શિયાબાગ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા
વડોદરા શહેરને સ્માર્ટ સીટી બનાવવાના સપના બતાવવામાં આવી રહ્યા છે અને નવ નિયુક્ત મેયર શહેરની પાણીની સમસ્યા દૂર કરવાની સાથે ઘર ઘર નલ ઘર ઘર જલનું આશ્વાસન આપે છે પરંતુ વાસ્તવિકતા હજુ પણ ઠેર ઠેર છે. નવાની વાત તો દૂર છે જૂની લાઈનો માંથી પણ પીવા લાયક પાણી આવતું નથી. સેવાસદન કચેરીની પાછળના જ ભાગે આવેલા શિયાબગ બોરડી ફળિયા સહિતના વિસ્તારોમાં વર્ષોથી પીવાના પાણી દૂષિત આવી રહ્યું છે અને હવે તો પાણીમાં જીવડા પણ આવવાનું શરૂ થયું છે. જેને લઈને આ વિસ્તારમાં કમળાના કેસ પણ વધી રહ્યા છે. જ્યારે નાગરિકોએ કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર બાલુ સુર્વેને સ્થળ પર બોલાવ્યા હતા. છેલ્લા 6 દિવસથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા ફરી શરૂ થઈ હતી, ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર બાલુ સુર્વે તંત્રના અધિકારીઓને પણ જાણ કરી હતી છતાં કોઈ નિરાકરણ ન આવતા નાગરિકોને આશ્વાસન આપ્યું હતું. જો કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો સોમવારના રોજ નાગરિકો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરશે. રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આગામી દિવસોમાં સત્તાધીશોને આવું પાણી પીવાની ફરજ પાડવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી.