- વડોદરામાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞનો પ્રારંભ
- પાંચ વર્ષ આપણી સરકારના: સૌના સાથ, સૌના વિકાસના
- સાત સ્થળોએ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી
વડોદરા: નાયબ મુખ્યપ્રધાન (Deputy CM) નીતિન પટેલ (Nitin Patel) રવિવારે વડોદરામાં સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. જિલ્લામાં સાત સ્થળોએ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, આજે અમેરિકાની નાસા સહિતની સંસ્થાઓ, વિશ્વની મોટી કંપનીઓમાં ગુજરાતના ,દેશના વિદ્યાર્થીઓ અગત્યના પદો સંભાળી રહ્યાં છે. ભારતીય વિદ્યાર્થીઓ, માનવ સંપદા વગર અમેરિકાનો IT ઉદ્યોગ મૂંઝવણ અનુભવે તેવી સ્થિતિ છે.
વડોદરા જિલ્લામાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞનો પ્રારંભ ગુજરાતે દેશ માટે પહેલ સમાન પ્રબંધ કર્યો : નીતિન પટેલ
"વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમની તેજસ્વી કારકિર્દી ઘડવા અમારી સરકાર સંકલ્પબદ્ધ છે" શબ્દો સાથે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન (Deputy CM) નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વમાં સ્પર્ધા કરે તેવા સક્ષમ બનાવવાનું આયોજન કર્યું હતું. જેને અમારી સરકાર વ્યાપક બનાવી રહી છે. વિશ્વ કક્ષાના વિદ્યાર્થીઓ તૈયાર કરવાની આ સુવિધાને પગલે વિશ્વમાં આપણા વિદ્યાર્થીઓ નામના મેળવી રહ્યાં છે.
સરકારે છેવાડાના માનવી સુધી યોજનાઓના લાભો પહોંચાડવાનું આયોજન કર્યું છે: નીતિન પટેલ
વધુમાં નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પ્રશાસનની સાથે શિક્ષણની ઓનલાઈન, વર્ચ્યુઅલ સુવિધાઓ વિકસાવી છે. જેના પગલે કોરોનાકાળમાં શિક્ષણ ચાલુ રહી શક્યું હતું. પ્રશાસનમાં ટેકનોલોજીના વિનિયોગથી સરકારે છેવાડાના માનવી સુધી યોજનાઓના લાભો પહોંચાડવાનું આયોજન કર્યું છે. અમારી સરકારે ટેકનોલોજી આધારિત શિક્ષણ સુલભ અને સરળ બનાવવા રૂપિયા એક હજારના ટોકન દરે વિવિધ વિદ્યા શાખાઓના 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટની સુવિધા આપી છે. દેશમાં પ્રથમવાર ગુજરાતે પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 3 લાખની શિષ્યવૃતિ તબક્કાવાર આપવાની યોજના શરૂ કરવાની પહેલ કરી છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના સહુથી વધુ 132 વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિને પાત્ર ઠર્યા છે. UGC એ હવે યુનિવર્સિટી કે કોલેજના શિક્ષક માટે પી.એચ.ડી. ની લાયકાત અનિવાર્ય કરી છે.
એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દુનિયામાં દેશનું નામ રોશન કર્યું છે: નીતિન પટેલ
નીતિન પટેલે (Nitin Patel) નિવેદન આપ્યું હતું કે, ગુજરાતની આ યોજના વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરશે. નવી પેઢીના યુવાનો અને વિદ્યાર્થીઓ હવે દેશના ઘડવૈયા બનશે. તેને અનુલક્ષીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના યશસ્વી નેતૃત્વ હેઠળની આ રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ દ્વારા શિક્ષણના વર્તમાન જરૂરિયાત પ્રમાણે સતત નવીનીકરણનું અને વિવિધ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું વ્યાપક આયોજન કર્યું છે. SC, ST સહીત અનામત વર્ગોના વિદ્યાર્થીઓની સાથે બિન અનામત વર્ગોના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રૂપિયા 700 કરોડથી વધુ રકમના ખર્ચે શૈક્ષણિક યોજનાઓનો લાભ આપવાનું આયોજન કર્યું છે. એમ.એસ.યુનિવર્સિટી (M.S. University) એ રાજ્યની એકમાત્ર નિવાસી યુનિવર્સિટી છે. તેનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સરદાર સાહેબે આ સંસ્થા સાથે સંકળાયેલી શાળામાં થોડો સમય શિક્ષણ લીધું હતું. મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહર્ષિ અરવિંદ જેવા રાષ્ટ્ર રત્નો આ વિદ્યાધામ સાથે જોડાયેલા રહ્યાં છે. તેના વિદ્યાર્થીઓએ દેશ અને દુનિયામાં વડોદરા, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચો: સરકારની 5 વર્ષની ઉજવણી: 9 દિવસનો કાર્યક્રમ કરાયો જાહેર
નાયબ મુખ્યપ્રધાને જ્ઞાનશક્તિ કાર્યક્રમના સુંદર અને સફળ આયોજન માટે કુલપતિને અભિનંદન આપ્યા
નાયબ મુખ્યપ્રધાન (Deputy CM) નીતિન પટેલ તથા મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને નમો ટેબલેટ, શોધ યોજના હેઠળ પી.એચ.ડી. કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિદ્યાર્થીઓને લોન સહાયનું વિતરણ કર્યું હતું. ધારાસભ્ય જીતુ સુખડીયાએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના સક્ષમ નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસ થકી વિકાસની ગતિ વધુ તેજ બની છે. ગુણવતાયુક્ત શિક્ષણની દિશામાં ગુજરાત આજે સમગ્ર દેશમાં અગ્રેસર છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમથી સ્માર્ટ ક્લાસ દ્વારા ગામડાઓ સુધી ટેકનોલોજી આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પૂ .હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરી ભાવાંજલિ કરી અર્પણ
કાર્યક્રમમાં અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
રાજ્યના મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે પાંચ વર્ષમાં શૈક્ષણિક તેજસ્વીતા પ્રોત્સાહિત થાય એવા યશસ્વી કામો કર્યા છે. તેવી લાગણી વ્યક્ત કરવાની સાથે સહુને આવકારતા એમ.એસ.યુનિવર્સિટી (M.S. University) ના કુલપતિ પરિમલ વ્યાસે જણાવ્યું કે, રાજ્યને શિક્ષણમાં અગ્રેસર રાખવામાં યુનિવર્સિટી અગત્યનું યોગદાન આપી રહી છે. રાજ્ય સરકારની વિવિધ વિધ્યોત્તક યોજનાઓનો લાભ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લઈ રહ્યાં છે અને તેમણે અનેક સિદ્ધિઓ મેળવી છે. આ પ્રસંગે અગ્રણી ભાર્ગવ ભટ્ટ, વિજય શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ, મનપા કમિશ્નર શાલિની અગ્રવાલ, કલેક્ટર આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીન, પદાધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.