વડોદરા: વડોદરા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીએ (Vadodara Smart City Development Company) વર્ષ 2018માં 24 કરોડના ખર્ચે સીટી બસનો પ્રોજેકટ(City Bus Project Incomplete In Vadodara) શરૂ કર્યો હતો. જેને એક વર્ષમાં પૂરો કરી લોકોના ઉપયોગ માટે સોંપવાનો હતો. પરંતુ આજે ત્રણ વર્ષ બાદ પણ માત્ર 50 ટકા જેટલી જ કામગીરી થઈ છે અને પ્રોજેક્ટ હજી પણ અધૂરો છે.
વડોદરા સ્માર્ટસિટીનો પ્રોજેકટ માત્ર કાગળ પર: "વિપક્ષી નેતા અમી રાવત" માત્ર 75 બસમાં જ સિસ્ટમ લગાવાઈ
સ્માર્ટ સિટીમાં 150 બસોને હાઇટેક બનાવવાની હતી, જે બસોમાં બે કેમેરા, GPS સિસ્ટમ અને ડ્રાઈવર ડિસ્પ્લે યુનિટ લગાવવાનું હતું. સાથે જ શહેરના 110 બસ સ્ટોપ પર લોકો બસની માહિતી મેળવી શકે તે માટે LED સ્ક્રીન અને સીસીટીવી કેમેરા લગાવવાની યોજના હતી, પરંતુ સ્માર્ટ સિટી કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની ઉદાસીનતાના કારણે માત્ર 75 બસમાં જ સિસ્ટમ લગાવાઈ છે. જ્યારે 89 બસ સ્ટોપ પર LED સ્ક્રીન અને કેમેરા લગાવ્યા છે. જે હાલમાં બિનઉપયોગી છે. કેમ કે હાલમાં કેમેરા પણ નથી ચાલતા, કે LED સ્ક્રીનમાં કોઈને માહિતી પણ મળી રહી નથી. કરોડોના ખર્ચે બાદ પણ બસ સ્ટોપ પર લોકોને બેસવા માટે યોગ્ય સુવિધા નથી. બસ સ્ટોપ પર ગંદકી છે. સાથે જ શ્રમિકો સૂઈ રહ્યા છે, તો કેટલાક લોકોએ દબાણ પણ કરી દીધું છે.
આ પણ વાંચો:સ્માર્ટ સિટી પ્રોજક્ટ અંતર્ગત અમદાવાદમાં શરૂ થશે વૉટર ATM
સ્માર્ટસિટીનો પ્રોજેકટ માત્ર કાગળ પર : વિપક્ષી નેતા
પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવતે સ્માર્ટ સિટીના તમામ પ્રોજેક્ટ માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ તમામ પ્રોજેક્ટ ભ્રષ્ટાચારનું માધ્યમ બન્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, માત્ર સ્માર્ટ સીટી અંતર્ગત માત્ર સીટી બસનો પ્રોજેક્ટજ નહીં તમામ પ્રોજેકટ અધૂરા છે. તંત્ર માત્ર મોટી મોટી વાતો જ કરતું હોવાનો પણ વિરોધ પક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો:ગ્રીન પ્રોજેકટ હેઠળ ભાવનગરના અલંગમાં વધી હરિયાળી
સ્માર્ટ સિટી કંપનીના CEOએ કામગીરી ધીમી ચાલતી હોવાનું સ્વીકાર્યું
વડોદરા સ્માર્ટ સિટી કંપનીના CEO અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એસ કે પટેલે જણાવ્યું હતું કે, હજી 75 બસમાં સિસ્ટમ લગાવવાની બાકી છે. સાથે સર્વર નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની કામગીરી બાકી છે, અત્યારે લોકોને બસની અવર જવરની માહિતી મળી રહી નથી. સાથે જ સ્માર્ટ સિટીનો સીટી બસનો પ્રોજેક્ટ મંથર ગતિએ ચાલી રહ્યા હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. સીટી બસ પ્રોજેકટ સહિતના સ્માર્ટ સીટી અંતર્ગતના પ્રોજેકટ સમયસર પૂર્ણ નહીં થતા સ્માર્ટ સિટી રેંકિંગમાં વડોદરા પાછળ ધકેલાયું હોવાનું પણ જણાવ્યું હતું.