વડોદરા: અનલોક-5માં આજથી એટલે કે ગુરુવારથી સમગ્ર દેશના મલ્ટિપ્લેક્સ-થિયેટર્સ શરૂ કરી દેવામાં આવ્યાં છે, ત્યારે થિયેટર માલિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની સીટિંગ વ્યવસ્થા સાથે થિયેટર્સ શરૂ કર્યાં છે.
કોરોના કાળમાં લાદવામાં આવેલા લોકડાઉન અને અનલોકના લાંબા સમયગાળા બાદ આજથી એટલે કે ગુરુવારથી સમગ્ર દેશના મલ્ટિપ્લેક્સ-થિયેટર્સ શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેથી વડોદરા શહેરનું આઇનોક્સ મલ્ટિપ્લેક્સ 7 મહિના બાદ ખુલ્યું છે.
સરકારે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી આપી છે, ત્યારે વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મલ્ટિપ્લેક્સ દ્વારા સાવચેતીના કડક પગલા લેવામાં આવી રહ્યાં છે. જેમાં એન્ટ્રીથી લઇને એક્ઝિટ સુધીની સુવિધા ટચલેસ તેમજ પેપરલેસ રાખવામાં આવી છે. આ સાથે જ 7 મહિના સુધી બંધ રહેલા મલ્ટિપ્લેક્સમાં ટિકિટ અને ફૂડના ભાવમાં કોઇ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
7 મહિના બાદ વડોદરાના સિનેમા ગૃહ ખોલવામાં આવ્યાં મલ્ટિપ્લેક્સમાં શરૂ થનારા દરેક શોમાં ઈન્ટર્વલ પહેલાં અને પછી પ્રેક્ષકોને કોરોના જાગૃતિ માટેની એક મિનિટની ફિલ્મ બતાવવામાં આવશે. થિયેટર્સમાં અત્યારે નવી ફિલ્મો રિલીઝ થઇ નથી. જેથી દિવાળી સુધી ગુજરાતી, હિન્દી અથવા હોલિવૂડની જૂની બ્લોકબસ્ટર ફિલ્મો જ દર્શકોને બતાવવામાં આવશે.
અત્યારે શહેરના સિનેમાગૃહમાં 3 સ્ક્રીન પર 5 શો રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં ચાલો જીવી લઈએ, શુભ મંગલ જ્યાદા સાવધાન જેવી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ફિલ્મો દર્શાવામાં આવી રહી છે. આ ઉપરાંત ફિલ્મ શો પૂર્ણ થયા બાદ સિનેમાગૃહને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃજામનગરમાં 6 મહિના બાદ ખુલ્યા સિનેમાઘર, કોવિડ ગાઈડલાઈન પ્રમાણે દર્શકોએ નિહાળી ફિલ્મ
કોરોના વાઈરસને કારણે સિનેમાઘરો કેટલાય મહિનાથી બંધ હતા. જો કે, હાલ અનલોકમાં સરકારે સિનેમાધરો ફરી ખોલવાની મંજૂરી આપતા જામનગરમાં ગુરુવારે સિનેમાઘરો ખુલ્યા હતા. શહેરમાં અંબર મેહુલ અને આઈનોક્સ એમ ત્રણ સિનેમાઘરો આવેલા છે. જેમાંના બે સિનેમાઘરો ગુરુવારથી ચાલુ કરવામાં આવ્યા છે.