- વડોદરામાં કોરોના બાદ હવે ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કાળો કહેર
- મોટાભાગના દર્દી વાઇરલ ઇન્ફેકશન નો ભોગ બન્યા છે
- પાણીજન્ય રોગચાળાએ નાગરવાડાની ત્રણ મહિલાનો ભોગ લીધો
વડોદરા: શહેરમાં કોરોના બાદ હવે ડેન્ગ્યૂ અને ચીકનગુનિયા સાથે પાણીજન્ય રોગચાળાને કારણે દવાખાનામાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના દર્દી વાઇરલ ઇન્ફેકશન(સિઝનલ ફ્લૂ)નો ભોગ બની રહ્યા છે. ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના દર્દી પણ ધીમી ગતિએ વધી રહ્યા છે. પાલિકાના ચોપડે છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યૂના 83 અને ચિકન ગુનિયાના 35 કેસ નોંધાયા છે.
હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
શહેરની સરકારી ચેપી રોગની હોસ્પિટલ ખાતે જ ઝાડા-ઉલટીના 13 કોલેરાના 14 અને ટાઈફોડનો 1 દર્દી સારવાર હેઠળ છે. રોગચાળાને પગલે સયાજી હોસ્પિટલ અને જમનાબાઈ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનામાં દર 10 દર્દીમાં 8 દર્દી વાયરલ ઇન્ફેકશનના અને 2 ડેન્ગ્યૂના આવી રહ્યાં છે. સાથે ચિકનગુનિયાના કેસ પણ મળી રહ્યાં છે.વર્ષ 2019માં ડેન્ગ્યૂના 1247 અને ચિકનગુનિયાના 231 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. આ વખતે બે અઠવાડિયા પહેલા ડેન્ગ્યૂના 16 કેસ હતા તે આંકડામાં સીધો 44નો ઉમેરો થયો છે. ચિકનગુનિયા ના પણ 2 અઠવાડિયા પેહલા માત્ર 3 કેસ હતા તેમાં હાલમાં 32નો ઉમેરો થયો છે પાલિકાએ 3 દિવસમાં કરેલા સર્વેમાં 500 થી વધુ તાવના દર્દીઓ નોંધાયા છે.