- સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે શહેર ભાજપાના કાર્યકરો કોરોનાંનું ભાન ભૂલ્યા
- ભાજપ યુવા મોરચાની બાઇક રેલી
- રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
વડોદરા: દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં સરકારની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરી સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.
બાઈક રેલીનું આયોજન
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા ભાજપના વોર્ડ.નં.13 અને 18 ના ભાજપ પરિવાર દ્વારા ભાજપ યુવા મોરચાના સયુંકત ઉપક્રમે કાર્યકર્તાના સહકારથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વોર્ડ નં.13 અને 18 ના વિસ્તારમાં ફરી હતી.
પોલીસ પરવાનગી લીધી કે કેમ ચર્ચાનો વિષય બન્યો
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે વડોદરા સહિત રાજ્યભરમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરામાં ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજી કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. એક તરફ ઉત્તરાયણ પર 5 થી વધુ લોકોને ધાબા પર ભેગા થવા પર રોક લગાવી છે, તો બીજી તરફ ભાજપ જ ભીડ ભેગી કરી રેલી યોજી રહ્યું છે. આ અંગે પોલીસે ભાજપના કાર્યકરોને રેલી યોજવાની મંજૂરી આપી છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.