- વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડૉ.વિજય શાહની નિમણૂક
- સ્થાનિક રાજકીય મોરચે હલચલમાં વધારો
- શહેર ભાજપના અનેક વગદારોની આશા પર પાણી ફરી વળ્યું
વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડૉ.વિજય શાહની નિમણૂક
વડોદરાઃ ભારતીય જનતા દળના વડોદરા શહેરના પ્રમુખ તરીકે ડૉ.વિજય શાહની નિમણૂક કરવામાં આવી છે. જેથી સ્થાનિક રાજકીય હલચલ મચી છે.
નવા પ્રમુખે એક સમયે ધારાસભ્ય અને પ્રધાન સૌરભ પટેલ સાથે પણ બાથ ભીડી હતી
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક બાદ તેમણે કાર્યકરોને આપેલા વચન મુજબ પસંદ કરવામાં આવેલા પ્રમુખના ચહેરાઓના પગલે પાયાના કાર્યકરોમાં એક ઉત્સાહનો માહોલ આવી ગયો છે. વડોદરાના અકોટા મત વિસ્તારમાં ઠોકી બેસાડવામાં આવેલા સૌરભ પટેલના આગમન સમયે ભાજપના નેતા ડૉ.વિજય શાહે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેનું પરિણામ તેમને રાજકીય તેમજ ધંધાકીય રીતે પણ ભોગવવું પડ્યું હતું.
ભાજપ કાર્યાલય ખાતે નવા શહેર પ્રમુખનું સ્વાગત કરાયું
વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ રહી ચૂકેલા વિજય શાહ એક હાંસીયામાં ધકેલાઇ ગયા હતા. વડોદરાના પ્રમુખ તરીકે અનેક વગદારોના નામો ચાલતા હતા. એક તબક્કે સાંસદ તથા વર્તમાન અધ્યક્ષા રંજન ભટ્ટને પણ રિપીટ કરવામાં આવે તેવી પણ વાતો ચાલતી હતી. આ માહોલ વચ્ચે ભાજપે વિજય શાહના નામની જાહેરાત કરીને વડોદરાના ભાજપના કાર્યકરોને ચોંકાવી દીધા હતા. તેમની નિમણૂકને અનેક લોકોએ વધાવી પણ લીધી હતી. આ સાથે જ વડોદરા ભાજપના કાર્યલય ખાતે મોડી સાંજે ડૉ.વિજય શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. વર્તમાન પ્રમુખ રંજન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત અનેક હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.