વડોદરાઃ જિલ્લાની ગોરવા બી.આઇ.ડી.સી.માં પ્લોટ નંબર 3-10 સ્થિત ઓમ એગ્રી ફ્રીઝ ફૂડસ નામની કંપની આવેલી છે. કંપનીમાં સવારે વેક્યુમ ફૂડ ફ્રીઝ ડ્રાયરના મેઇન્ટનન્સ દરમિયાન બોલ્ટ તૂટતા કર્મચારી પરેશભાઇ પારેખના માથામાં ઇજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું. આ બનાવ બનતા કંપનીમાં અફરાતફરી મચી હતી. આ સાથે ધડાકાનો અવાજ સાંભળી બી.આઇ.ડી.સી.માં કાર્યરત કંપનીના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા.
વડોદરામાં ફુડ્સ કંપનીમાં દુર્ઘટના ઘટતાં એક કર્મચારીનું મોત - ફુડ કંપની ન્યૂઝ
વડોદરામાં ગોરવા બી.આઈ.ડી.સી.માં આવેલી ફૂડ્સ કંપનીમાં વેક્યુમ ફૂડ ડ્રાયરની મેઇન્ટનન્સની કામગીરી સમયે પ્રેશર વધતા દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં એક કર્મચારીના માથામાં બોલ્ટ વાગતા માથું ફાટી જવાથી તેનું મોત થયુંં હતું.
આ તકે કંપનીના વહીવટકર્તાએ જણાવ્યું હતું કે, સવારે 11:15 કલાકે કંપનીમાં વેક્યુમ ફૂડ ફ્રીઝ રેન્કમાં લીકેજ હોવાથી તેમાં 2.0 કિલો પ્રેશર ભરીને ચેક કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એકાએક પ્રેશર વધી જતાં બોલ્ટ તૂટી જતાં ડ્રાયર પાસે કામ કરી રહેલા કર્મચારી પરેશભાઇ કાળીદાસ પારેખને માથામાં વાગ્યો હતો. જેમાં તેમનું મોત થયું હતું. પરેશભાઇ પારેખ ગોરવા હાઉસિંગ બોર્ડના મકાનમાં પત્ની સંગીતાબહેન અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. તેઓ છેલ્લા 15 વર્ષથી અમારી કંપનીમાં નોકરી કરતા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું કે, કંપની દ્વારા નિયમો અનુસાર જે સહાય કરવાની હશે તેટલી સહાય કરવામાં આવશે. કંપની દ્વારા લોકડાઉનમાં કંપની ચાલુ કરવાની પરવાનગી લેવામાં આવેલી છે. આજે અકસ્માતે મૃત્યુ પામેલા કર્મચારી અમારી કંપનીનો વિશ્વાસુ કર્મચારી હતો. પરેશભાઇ પારેખનું મોત નીપજતાં જ પરિવારજનો કંપનીમાં દોડી આવ્યા હતા. પરેશભાઇની પત્ની અને બે દીકરીઓ પિતાનું મોત નીપજતાં સ્તબ્ધ થઇ ગઇ હતી. આ સાથે તેમના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.