વડોદરા: વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર કે જે વહીવટી વોર્ડ નંબર 9ની હદમાં સમાવિષ્ટ છે તે એકતાનગર, રામરહીમ નગર, લક્ષ્મીનગર, લેપ્રેસી વસાહત તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ઉભરાતી ગટરો અને વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઇ જવાની સમસ્યા સર્જાય છે.
વડોદરા: ઉભરાતી ગટરના પ્રશ્ને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું - Eastern parts of Vadodara city gutter issues
વડોદરાના પૂર્વ વિસ્તારો આજવા રોડ, એકતાનગર, રામરહીમ નગર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી અને ઉભરાતી ગટરના પ્રશ્નને લઇને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
એક તરફ ચાલુ વર્ષે કોરોના મહામારી તો બીજી તરફ ચોમાસામાં વરસાદી પાણીની સાથે ઉભરાતી ગટરના દૂષિત પાણી ઘર કરી જતા લોકોમાં રોગચાળો વકરવાનો ભય ફેલાયો છે.
આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતા પણ છેલ્લા પાંચ વર્ષથી સમસ્યાનું નિરાકરણ ન આવતા ગુરુવારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના પ્રમુખ હરીશ ચૌહાણની આગેવાનીમાં વિસ્તારના રહીશોનો મોરચો પાલિકાની વડી કચેરીએ પહોંચ્યો હતો. જ્યાં મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયને આવેદનપત્ર પાઠવી આગામી દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.