ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara PI wife case : સ્વીટી પટેલ કેસનો 51 દિવસે ઉકેલાયો ભેદ, PI પતિ જ નીકળ્યો હત્યારો - Ahmedabad crime branch solved Vadodara PI wife case in just 8 days

છેલ્લા 51 દિવસોથી બહુચર્ચિત સ્વીટી પટેલ ગુમ થવાના મામલાનો ભેદ આજે શનિવારે ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 દિવસમાં જ ગુનાનો ભેદ ઉકેલીને PI પતિ અજય દેસાઈએ જ ઘરકંકાસમાં પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે અજય દેસાઈ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજા વિરુદ્ધ હત્યા અને પુરાવાઓના નાશનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara PI wife case
Vadodara PI wife case

By

Published : Jul 24, 2021, 9:10 PM IST

Updated : Jul 24, 2021, 10:54 PM IST

  • સ્વીટી પટેલના કેસનો ભેદ ઉકેલાયો
  • PI પતિ જ નીકળ્યો હત્યારો
  • ઘરકંકાસના કારણે હત્યા કરી હોવાનો ખુલાસો

ન્યૂઝ ડેસ્ક : વડોદરા જિલ્લા SOGના PI અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થતા છેલ્લા 51 દિવસથી તેની તપાસ ચાલી રહી હતી. તપાસ મળ્યાના 8 દિવસમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલીને જાહેરાત કરી હતી કે, પતિ અજય દેસાઈએ જ ઘરકંકાસના કારણે પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે અજય દેસાઈ અને તેના અંગત મિત્ર કિરીટસિંહ જાડેજા વિરૂદ્ધ હત્યા અને પુરાવાઓનો નાશ કરવાનો ગુનો દાખલ કર્યો છે.

સ્વીટી પટેલ કેસનો 51 દિવસે ઉકેલાયો ભેદ, PI પતિ જ નીકળ્યો હત્યારો

હત્યાનો ઘટનાક્રમ

4 જૂનના રોજ અજય દેસાઈ અને પત્ની સ્વીટી પટેલ વચ્ચે કરજણ સ્થિત તેમના ઘરે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારબાદ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ અજયે સ્વીટીને બેડરૂમમાં ગળેટૂંપો આપીને હત્યા કરી હતી. આખી રાત મૃતદેહને બ્લેન્કેટમાં બાંધીને ઘરમાં રાખ્યો હતો. જ્યારબાદ 5 જૂનની સવારે 10:45 વાગ્યાની આસપાસ પોતાની કાળા રંગની જીપ કંપાસ કારમાં મૃતદેહને ડિક્કીમાં મૂકીને કાર બાજુના કમ્પાઉન્ડમાં મૂકી હતી. જ્યારબાદ ફિલ્મી તરકટ રચવા માટે સ્વીટીના ભાઈને ફોન કરીને તે ગુમ થઈ હોવાનું જણાવ્યું હતું અને સાંજે 4 વાગ્યાની આસપાસ દહેજના અટાલી ગામ પાસે મિત્ર કિરીટસિંહની બંધ પડેલી હોટલ પહોંચ્યો હતો, જ્યાં ઘાસ, પુઠ્ઠા અને લાકડા વડે મૃતદેહને સળગાવીને નિકાલ કર્યો હતો.

શા માટે અજય દેસાઈ પર શંકા પ્રબળ બની હતી ?

સ્વીટી પટેલ ગુમ થયા બાદ અજય દેસાઈના અંગત મિત્ર કોંગી નેતા કિરીટસિંહ જાડેજાની માલિકીની જગ્યા પરથી માનવ અવશેષો મળી આવ્યા હતા. આ માનવ અવશેષો જે જગ્યાએથી મળી આવ્યા હતા, સ્વીટી પટેલ ગુમ થઈ તેના એક દિવસ બાદ અજય દેસાઈના ફોનનું લોકેશન પણ તે સ્થળનું જ બતાવતું હતું. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અજય દેસાઈના કરજણ સ્થિત નિવાસસ્થાનનું પંચનામુ કરતા તેમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. જેની FSL દ્વારા તપાસ કરવામાં આવતા તે સ્વીટી પટેલના જ હોવાનું સામે આવ્યું હતું.

2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં ફેરા ફર્યા, 2017માં અન્ય યુવતી સાથે લગ્ન

PI અજય દેસાઈએ સ્વીટી પટેલ સાથે વર્ષ 2016માં મંદિરમાં લગ્ન કર્યા હતા. જ્યારબાદ બીજા જ વર્ષે અન્ય એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેને એકસાથે રાખી શકાય એમ ન હોવાથી અને સ્વીટી વારંવાર લગ્ન કરવા દબાણ કરતી હોવાથી અને બન્ને વચ્ચે ઘરકંકાસ રહેતો હોવાથી અજય દેસાઈએ તેણીનું કાસળ કાઢવાનું કાવતરૂ ઘડ્યું હતું.

વોટ્સએપ ચેટમાં ઘરકંકાસને લઈને હતા પુરાવા

સ્વીટી પટેલના મોબાઈલ ફોન મેળવીને તપાસ કરતા પોલીસને તેમાંથી વોટ્સએપ ચેટ મળી આવી હતી. જેમાં સ્વીટી પટેલ અજય દેસાઈને "હું જતી રહીશ, મરી જઈશ" એવા મેસેજ કર્યા હોવાનું માલૂમ પડ્યુ હતું. જેના આધારે PI અજય દેસાઈ સામે શંકા પ્રબળ બની હતી.

કિરીટસિંહ જાડેજા અને સ્વીટી પટેલના પૂર્વ પતિની પણ કરાઈ હતી પૂછપરછ

આ કેસમાં તપાસ દરમિયાન પોલીસે અજય દેસાઈના અંગત ગણાતા કોંગી નેતા કિરીટસિંહ જાડેજા અને ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા સ્વીટી પટેલના પૂર્વ પતિ હેતષ પંડ્યાની પણ પૂછપરછ કરી હતી.

અગાઉ નાર્કો ટેસ્ટ માટે હા કહ્યા બાદ પીછેહઠ

અજય દેસાઈએ અગાઉ નાર્કો ટેસ્ટ માટે મંજૂરી દર્શાવી હતી. જ્યારબાદ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી અને ફરી વખત નાર્કો ટેસ્ટ કરાવવાનું થતા અજય દેસાઈએ અંતિમ ક્ષણે પીછેહઠ કરીને નાર્કો ટેસ્ટ માટે ઈનકાર કરી દીધો હતો.

કરજણ પોલીસ પાસેથી DySPને કેસ સોંપવામાં આવ્યો હતો

ઘટનાના પાંચ દિવસ બાદ 11 જૂને સ્વીટીબેનના ભાઇ જયદિપ પટેલે બપોરે કરજણ પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી હતી. કરજણ પોલીસે બપોરે 3.50 કલાકે જયદીપ પટેલની ફરિયાદના આધારે જાણવા જોગ નોંધ દાખલ કરી હતી. સ્વીટી પટેલના ગુમ થયાની ફરિયાદ નોંધાયાના 24 દિવસ બાદ પણ કોઈ પુરાવા મળ્યા ન હોવાથી કરજણ પોલીસ પાસેથી કેસ લઈ DySPને સોંપાયો હતો. આ ઉપરાંત જિલ્લાની LCB અને SOGની ટીમો દ્વારા વિવિધ સંભાવનાઓને ધ્યાને રાખીને અનેક દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

Last Updated : Jul 24, 2021, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details