- હોર્ડિંગ્સ બેનરો અને જાહેરાત એજન્સીઓને પણ લાગ્યું કોરોનાનુ ગ્રહણ
- દિવાળીના તહેવારમાં ધંધામાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો
- સરકાર પાસે ટેક્સમાં રાહતની કરી માગ
વડોદરાઃ કોરોના મહામારીના કારણે માર્ચ મહિનામાં લોકડાઉન લગાવવાને કારણે વેપાર ધંધાને ખૂબ મોટું નુકસાન થયું છે. બજારમાં મંદીનું વાવાઝોડું આવેલું છે. તહેવારો આવતા હોય ત્યારે વેપારીઓ પોતાના પ્રોડકટની માર્કેટિંગ કરવા માટે જાહેરાત એજન્સીઓનો સંપર્ક કરતા હોય છે. તેમાં મોટા ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને માર્કેટિંગ કરતા હોર્ડિંગ્સ બેનરો અને જાહેરાત એજન્સીઓ પણ આ મંદીમાં બાકાત રહી નથી.
હોર્ડિંગ્સ બેનરો અને જાહેરાત એજન્સીઓને પણ લાગ્યું કોરોનાનુ ગ્રહણ કોરોના મહામારીની ધંધા રોજગાર પર અસર
વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ, બેનરો સાથે સંકળાયેલી 3 થી 4 મોટી એડવર્ટાઇઝની એજન્સીઓ છે. જેઓ મોટામાં મોટી 40 બાય 40 અને નાનામાં નાની 20 બાય 10ના બેનરો લગાડવામાં આવે છે. હોર્ડિંગ્સ સાથે સંકળાયેલા એજન્સીના સંચાલકે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં અમને આશા હતી કે, વેપારીઓ પોતાના પ્રોડકટની માર્કેટિંગ માટે અમારો સંપર્ક કરશે, પરંતુ કોરોનાનું ગ્રહણ અમને પણ લાગ્યું હતું. છેલ્લા કેટલાક વખતથી કોરોનાની મહામારી ચાલી રહી છે.
હોર્ડિંગ્સ બેનરો અને જાહેરાત એજન્સીઓને પણ લાગ્યું કોરોનાનુ ગ્રહણ કોર્પોરેશન ટેકસમાં રાહત આપે તેવી રજૂઆત કરાઈ
વધુમાં જણાવ્યું કે, દિવાળીમાં ધંધા સાથે સંકળાયેલા લોકો પોતાના પ્રોડેક્ટના માર્કેટિંગ માટે જાહેરાતો આપશે તેવી અમને આશા હતી, પરંતુ દિવાળીના તહેવારોમાં ધંધામાં 40 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને કોરોના મહામારીને લઈ મંદી હોવાના કારણે અમે ભાવમાં પણ 40 ટકા જેટલો ઘટાડો કર્યો હતો. રૂપિયા 40,000 થી લઈ 1.50 લાખ સુધીનો એક મહિનાનો ખર્ચ જાહેરાત લગાવવામાં થતો હોય છે. વડોદરા શહેરમાં આશરે 700 જેટલા હોર્ડિંગ્સો લગાવવામાં આવે છે. કોરોના મહામારીના કારણે મંદી છે, તેમછતા સરકાર તરફથી અમને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી અને કોર્પોરેશન પણ અમને ટેક્સમાં રાહત આપતી નથી. ત્યારે આ મંદીના માહોલમાં કોર્પોરેશન ટેકસમાં રાહત આપે એવી અમે રજુઆત પણ કરી હતી.
હોર્ડિંગ્સ બેનરો અને જાહેરાત એજન્સીઓને પણ લાગ્યું કોરોનાનુ ગ્રહણ દિવાળીના તહેવારમાં વેપારીઓને હતી આશા
તહેવારોની મોસમ આવે ત્યારે શહેરમાં મોટાપાયે હોર્ડિંગ્સ, બેનરો લાગતા હોય છે અને પોતાનો ધંધો લોકો સુધી પહોંચે તેના માટે જાહેરાત એજન્સીઓના સંપર્ક કરતા હોય છે. લોકડાઉન બાદ જન્માષ્ટમી, ગણપતિ, નવરાત્રી જેવા મોટા તહેવારોમાં પણ જાહેરાત એજન્સીના સંચાલકોને જાહેરાતો મળી ન હતી અને દિવાળીના તહેવારમાં વેપારીઓને એક આશા દેખાઈ હતી, દર વર્ષે દિવાળીના એક મહિના અગાઉ એજન્સીના સંચાલકોને જમવાનો પણ સમય મળતો ન હતો, તેના બદલે આ વર્ષે કોરોના મહામારીના કારણે દિવાળીના તહેવારમાં 70 ટકા જેટલો ઘટાડો જાહેરાત એજન્સી સાથે સંકળાયેલાને પડ્યો છે.
હોર્ડિંગ્સ બેનરો અને જાહેરાત એજન્સીઓને પણ લાગ્યું કોરોનાનુ ગ્રહણ શહેરમાં આવેલી છે 60 જેટલી જાહેરાત એજન્સીઓ
પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો આપી બેનરોમાં એજન્સીના સંચાલકો મોટાપાયે ધંધાનું માર્કેટિંગ કરતા હોય છે. એડવર્ટાઈઝિંગ ક્લબ ઓફ બરોડાના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, શહેરમાં 60 જેટલી જાહેરાત એજન્સીઓ આવેલી છે, તેમાં 27 જેટલી એડવાઇઝીગ ક્લબ ઓફ બરોડા સાથે રજિસ્ટર થયેલી છે. કોરોના મહામારીના કારણે બજારોમાં મંદીનો માહોલ છે. તેમજ માર્ચ મહિનાથી જાહેરાતોના બિલ પણ અટવાઈ ગયા છે. જીએસટીમાં પણ અમને રાહત આપવામાં આવતી નથી અને જે અમારા બીલ અટવાય ગયા છે એનું અમને રિબેટ પણ આપવામાં આવતું નથી. જેના કારણે અમારી હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે. બજારમાં બધા ધંધામાં મંદી આવેલી છે, એમાં જાહેરાત એજન્સીઓને પણ ખૂબ મોટા પાયે તકલીફ પડી રહી છે. રીટેલ ધંધામાં પણ જાહેરાતો મળવાનું પણ ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે. દિવાળીના તહેવારમાં 70 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.