- અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે નિપજ્યું મોત
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 8 કલાક સુધી રાહુલને યોગ્ય સારવાર ના મળી
- વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રાહુલનું મોત
વડોદરા:નવાયાર્ડમાં આવેલા રમણીક ચાલમાં રહેતા 19 વર્ષના યુવાન રાહુલ જાદવ અને તેનો મિત્ર દિવ્યાંગ પરમાર તેમના મિત્રને ચકકર આવતા હોવાથી રાત્રે બાઈક પર બેસી દવા લેવા ગયા હતા. જ્યાં ફતેગંજ હિલ મેમોરિયલ સ્કૂલ પાસે રાહુલે બાઈકના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈને ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઇ હતી. જેમાં રાહુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેના મિત્ર દિવ્યાંગ પરમારને સામાન્ય ઈજા પહોંચી હતી.
અમદાવાદ સિવિલના તબીબો હડતાલ પર હોવાથી રાહુલનું મોત
રાહુલનો અકસ્માત થતાં તેના પરિવારના સભ્યો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ રાહુલની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જેથી પરિવારના સભ્યો રાહુલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં રાહુલ જાદવની તબીબોએ 8 કલાક સુધી સારવાર કરી ન હતી. તબીબો હડતાળ પર હોવાથી સારવાર માટે કોઈ ડોકટર મળ્યા મળ્યા ન હતા. ત્યારબાદ પરીવારને તબીબોએ રાહુલને અન્ય હોસ્પિટલમાં ખસેડવા કહ્યું. જેથી પરિવાર રાહુલને ફરીથી વડોદરા લઈ આવ્યું અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. માથામાંથી લોહી વધુ વહી ગયું હોવાથી રાહુલ જાદવનું મોત નિપજ્યું હતું.