- મારા માણસને કહીને ઠોકાવી દઈશ: મધુ શ્રીવાસ્તવ
- જોઈન્ટ CP વધુ તપાસ હાથ ધરશે
- શહેરના મીડિયાકર્મીઓએ પોલીસ કમિશનરને કરી હતી રજૂઆત
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારીપત્ર ચકાસણીના દિવસે જિલ્લા પંચાયત ખાતે પ્રાદેશિક ચેનલના રિપોર્ટર કર્મચારી મધુ શ્રીવાસ્તવને સવાલો પૂછતાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, 'હવે જો કંઈ પૂછ્યું છે તો તને કોઈને કહીને ઠોકાવી દઈશ' એમ જાનથી મારી નાખવાની ધમકી આપતા શહેરના મીડિયાકર્મીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. આખરે પોલીસ કમિશ્નરે મધુ શ્રીવાસ્તવ સામેની તપાસ જોઈન્ટ CPને સોંપી છે.
મધુ શ્રીવાસ્તવની ધમકીના મામલે જોઈન્ટ CP તપાસ કરશે
21મી ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારીપત્ર ચકાસણીના દિવસે પ્રાદેશિક ચેનલના રિપોર્ટરે બાહુબલી મધુ શ્રીવાસ્તવને તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવની અપક્ષની ચૂંટણીમાં ઉમેદવારી અંગે સવાલ પૂછતાં મધુ શ્રીવાસ્તવ ઉશ્કેરાઇ ગયા હતા અને મીડિયાકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડોદરા શહેરના મીડિયાકર્મીઓ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને પોલીસ કમિશ્નરે ડો.શમશેર સિંહને રજૂઆત કરી હતી. બાહુબલી મધુ શ્રીવાસ્તવ સામે તપાસ અને ફરિયાદ થાય તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આખરે પોલીસ કમિશ્નરે મધુ શ્રીવાસ્તવ વિરુદ્ઘ જોઈન્ટ CPને તપાસ સોંપી છે.
પોલીસ કમિશ્નરે આપ્યા વધુ તપાસના આદેશ
મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણી સમયે અપક્ષ ઉમેદવારી કરતા બાહુબલી ધારાસભ્ય દિપક શ્રીવાસ્તવનું ફોર્મ ભરવા માટે ભાજપના ઉમેદવાર વોર્ડ નંબર 15ના આશિષ જોશીએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા, ત્યાં પ્રાદેશિક ચેનલના રિપોર્ટર મધુ શ્રીવાસ્તવને સવાલો પૂછતાં મધુ શ્રીવાસ્તવ ઉશ્કેરાઇ ગયા હતા અને "મારા માણસને કહીને ઠોકવી દઈશ" તેવી ધમકી આપી હતી. જેને પગલે પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે.