- કોરોના મહામારીમાં શહેરમાં લગ્ન પ્રસંગ યોજાયો
- અકોટા અતિથિ ગૃહ ખાતે પ્રભુતામાં પગલાં પાડયા
- સમૂહ લગ્નમાં કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન
વડોદરા: કોરોનાની મહામારીમાં પણ વડોદરા શહેરમાં લગ્ન પ્રસંગ સહિત શુભ પ્રસંગો યોજાઇ રહ્યા છે. અખાત્રીજના રોજ શહેરના અકોટા અતિથિ ગૃહ ખાતે વિઠ્ઠલ રખુમઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નોત્સવમાં 11 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમુહ લગ્નમાં કોવિડ-19ની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:લગ્ન પ્રસંગ માટે પોલીસ મંજૂરીની જરૂરી નહીં: પ્રદિપસિંહ જાડેજા
ઉપસ્થિત વ્યક્તિઓને RT-PCR સર્ટિફિકેટ પણ સાથે લાવવાનો નિયમ
વડોદરા વિઠ્ઠલ રખુમઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મહારાષ્ટ્રીયન સમાજનો આઠમો સમુહલગ્નોત્સવ કોરોનાની ગાઇડલાઇન મુજબ રાખવામાં આવ્યો હતો. વર તથા વધૂ પક્ષમાંથી ફક્ત પાંચ-પાંચ લોકોને જ પરવાનગી આપવામાં આવી હતી. સાથે વર-વધૂ સહિત ઉપસ્થિત વ્યક્તિઓને RT-PCR સર્ટિફિકેટ પણ સાથે લાવવાનો નિયમ રાખવામાં આવ્યો હતો.
સમુહ લગ્નમાં દરેક દિકરીઓને તિજોરી, પલંગ, વાસણો, બેગ્સ, મિક્સર સહિતની ગૃહસ્થીની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે અખાત્રીજના દિવસે આયોજીત સમુહ લગ્ન પ્રસંગમાં પ્રભુતામાં પગલાં પાડનારા યુગલને ટ્રસ્ટીઓ દ્વારા આશિર્વાદ આપવામાં આવ્યા હતા.
વડોદરામાં કોરોના વચ્ચે સમૂહ લગ્નોત્સવ યોજાયો આ પણ વાંચો:કોરોના ઇફેક્ટ : આજથી લગ્નમાં 100 અને અંતિમવિધિમાં 50 વ્યક્તિઓ જ જોડાઇ શકશે
ગરીબ લોકોને અનાજની કીટોનું વિતરણ
શહેરમાં જ્યારે-જ્યારે કુદરતી અથવા માનવસર્જીત આફતો આવે છે ત્યારે ટ્રસ્ટ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે. સમાજના બાળકોના અભ્યાસ માટે શિક્ષણની કીટ, મહારાષ્ટ્રીયન સમાજની સૌભાગ્યવતી બહેનોના હલ્દી કુમકુમ તિલગુડનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા કોરોનાની ચાલી રહેલી મહામારીમાં કોરોના વોરિયર્સ જેવાં કે, પોલીસ, ફાયરબ્રિગેડના જવાનો, સફાઇકર્મીઓ, માટે સેનેટાઇઝર, માસ્ક, પીવાનું પાણી, છાસ તથા નાસ્તાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગરીબ લોકોને દોઢ મહિનો ચાલે તેટલી અનાજની કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.