- રણું ગામમાં 900 વર્ષ જૂનું મા તુળજા ભવાની મંદિર
- નવરાત્રીને લઇ ભક્તોનો દર્શન કરવા ધસારો થયો
- ભારતભરમાં મા તુળજા ભવાનીના બે મંદિર છે
પાદરાઃ આજે આસો નવરાત્રીની આઠમ હોવાથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણું ગામમાં આવેલા તુલજા ભવાની માના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. આશરે 900 વર્ષ જૂના આ મંદિરનું (Historical Tulja Bhavani Temple) ઐતિહાસિક મહત્ત્વ કંઈક ખાસ છે. મંદિરના પરિસરમાં આવેલ સરોવરમાંથી મા તુલજા ભવાની પ્રગટ થયાં હતાં અને અહીં સાક્ષાત બિરાજમાન છે. મા તુળજા ભવાનીના ભારતભરમાં ફકત બે જ મંદિર આવેલાં છે. જે પૈકી એક મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં આવેલું છે, તો બીજું ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ ખાતે આવેલું છે.
આ મંદિરે ભગવાન સ્વામિનારાયણે માતાજીની આરાધના કરી હતી
આ મંદિર સાથે ભગવાન સ્વામિનારાયણનો પણ ઇતિહાસ જોડાયેલો છે. આશરે 200 વર્ષ પહેલાં મંદિર પાસે આવેલા સરોવરમાં ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હતું અને માતાજીની આરાધના કરી હતી. મંદિરના પરિસરમાં આવેલ આ સરોવરનું પણ એક આગવું મહત્વ ભક્તો માટે રહેલું છે. આજે આઠમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તજનોએ અહીં માતાજીના (Historical Tulja Bhavani Temple) દર્શનનો લાભ મેળવી ધન્ય થયાં હતાં.