- પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા વડોદરા શાળા સંચાલક મંડળમાં નારાજગી
- 30થી 40 ગ્રાન્ટેડ શાળાઓ ઓક્સિજન પર આવી
- મુખ્યપ્રધાનને રજૂઆત કરી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા માગ
વડોદરા: પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા શહેરની 150 ગ્રાન્ટેડ શાળાઓ મુશ્કેલીમાં મુકાઈ છે. જે પૈકીની 30થી 40 શાળાઓ તો ઓક્સિજન પર ચાલી રહી છે.એક તરફ મોલ, મલ્ટીપ્લેક્સ, રિસોર્ટ, જીમ, હોટેલ જેવા એકમોને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપી છે.જ્યારે ગ્રાન્ટેડ શાળાઓને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત નહીં મળતા વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ આર.સી.પટેલે નારાજગી દર્શાવી છે.
વડોદરાની 150 ગ્રાન્ટેડ શાળાઓ કફોડી હાલતમાં મુકાઈ
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, રિસોર્ટ, હોટેલ, જીમનેશિયમ જેવા એકમોને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓને આ રાહત માંથી બાકાત રાખવામાં આવતા વડોદરાની 150 શાળાઓથી સમાવિષ્ટ વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવા માગણી કરી હતી. જો રાહત આપવામાં નહીં આવે તો વડોદરાની 30થી 40 શાળાઓ ઓક્સિજન ઉપર ચાલી રહી છે તેને બંધ કરવાની નોબત આવી છે, પરંતુ તેની પણ પ્રક્રિયા લાંબી હોવાથી એવી શાળાઓ ખુબ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
આ પણ વાંચો:જામનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર દુકાનદારો સામે મનપાની લાલ આંખ
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન
વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ આર. સી. પટેલે જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરીના રોજ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે અમને પણ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ. અમે 100 ટકા પ્રોપર્ટી ટેકસમાં માફી નથી માગી. 10 ટકા 20 ટકા જે કોર્પોરેશનની સૂચના થાય તે પ્રમાણે રિબેટ મળવું જોઈએ, પરંતુ આજદિન સુધી અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.
મોલ મલ્ટીપ્લેક્સ હોટેલ રેસ્ટોરન્ટ જિમ અને રિસોર્ટને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ જે અમારું રાજ્યકક્ષાનું મહામંડળ છે તેના દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરી છે. કારણ એક જ કે મોલ મલ્ટીપ્લેક્સ હોટેલ રેસ્ટોરન્ટ જિમ અને રિસોર્ટ છે. એને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો શાળાઓને પણ આપવી જોઈએ તેનું કારણ છે કે 22મી માર્ચના રોજ જનતા કર્ફયુ આવ્યો ત્યારપછી 24મી માર્ચ 2020થી લોકડાઉન થયું. એટલે ઘણી બધી શાળાઓને સત્ર 2019-2020ની ફી પણ બાકી છે. ત્યારપછી 2020 અને 2021નું વર્ષ જેમાં સરકારે અમને કહ્યું કે, 25 ટકા ફી ઓછી લો. ત્યારે અમે 25 ટકા ફી છોડી દીધી હતી. બાકી રહી 75 ટકા ફી જેમાં 75 ટકામાં પણ ઘણી બધી ફી આવવાની બાકી છે. સરકારે તો કહ્યું કે તમે 75 ટકા ફી વસુલ કરી શકો છો.