- ચૂંટણી બાદ કોરોના સંક્રમણના કિસ્સાઓમાં વધારો
- તાજેતરમાં ચૂંટણી જીતેલા ભાજપના 4 કોર્પોરેટરોને કોરોના
- કોરોનાના વધતા જતા કેસોને લઈને લોકો અને તંત્ર ચિંતામાં
વડોદરા: ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોના વાઈરસ ફરી એક વખત કોરોના પ્રસરાવા લાગ્યો છે. કોરોનાના પોઝિટીવ કેસોની સાચી માહિતી લોકો સુધી નહીં પહોંચવાના કારણે વધતા જતા સંક્રમણથી લોકો અજાણ છે. એવામાં ચૂંટણી વખતે કોરોના ગાઈડલાઈનના લીલેલીરા ઉડાવીને ઉજવણી કર્યા બાદ તાજેતરમાં જ શહેર ભાજપના 4 કોર્પોરેટરો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ ઉપરાંત શહેરની સરદાર વિદ્યાલયની 2 શિક્ષિકાઓ પણ કોરોનાની ચપેટમાં આવતા શાળાના વિદ્યાર્થીઓ પર કોરોના સંક્રમણના વાદળો ઘેરાયા છે.
સંપર્કમાં આવેલા તમામ લોકોમાં ફફડાટ
વડોદરામાં ભાજપના ચાર કોર્પોરેટરો કોરોનાગ્રસ્ત થતા રાજકારણીઓમાં ચિંતા વધી છે. હેમિશા ઠક્કર, ગીતાબેન આચાર્ય, જ્યોતિબેન પટેલ અને વોર્ડ નંબર 18ના કલ્પેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા છે. તાજેતરમાં જ ચૂંટાયેલા ભાજપના આ કોર્પોરેટરો જાહેરમાં ઘણીબધી વખત જોવા મળ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ વિજય સરઘસોમાં તેમજ તાજેતરમાં 'શિવજી કી સવારી' દરમિયાન આ લોકો જાહેરમાં જોવા મળ્યા હતા. જેથી તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સરદાર વિદ્યાલયની શિક્ષિકાઓ કોરોનાની ચપેટમાં
શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી સરદાર વિદ્યાલયના પ્રાથમિક વિભાગની બે શિક્ષિકાઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓમાં ભય અને ગભરાહટનો માહોલ સર્જાયો છે. તકેદારીના ભાગરૂપે સ્કૂલની બિલ્ડીંગ ખાલી કરાવીને સેનેટાઈઝેશન તેમજ સાફસફાઈની કામગીરી કરાવવામાં આવી છે.