વડોદરા: ગોત્રી ખાતેની ખાસ કોવિડ હોસ્પિટલમાંથી એક પછી એક સારા સમાચાર મળી રહ્યાં છે. ગઇકાલે કોરોનામાંથી મુક્ત થઈને સંપૂર્ણ સાજા થયેલા 3 વ્યક્તિઓ પછી આજે રોગ મુક્ત થયેલા વધુ ત્રણ દર્દીઓને રોગ મુક્તિના પ્રમાણ પત્ર સાથે વિદાય આપવામાં આવી હતી.
આમ બે દિવસમાં તબીબી જ્ઞાન અને અનુભવની સાથે નિષ્ઠા અને ફરજ પરસ્તીનો સમન્વય કરીને આપેલી સારવારથી 6 જેટલા દર્દીઓ રોગ મુક્ત થતાં અહીં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ અને સેવકોએ આનંદની સાથે ઊંડા આત્મ સંતોષની લાગણી અનુભવી હતી.
વડોદરામાં હોસ્પિટલમાં સારવાર કરેલા વધુ 3 દર્દીઓ સાજા થયા પ્રોટોકોલ પ્રમાણે ઊપરા છાપરી બે રિપોર્ટ નેગેટીવ આવતાં આજે 66 વર્ષના મુસ્તાક હુસૈન કાજી, 48 વર્ષના દિપકભાઈ પટણી અને સુનિતાબહેન પટણીને રજા આપવામાં આવી હતી. આ પૈકી મુસ્તાક હુસૈને એક સંવાદમાં હોસ્પિટલની સેવાથી સંપૂર્ણ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે સારવાર લઈ રહેલા અને હાલમાં જ તબિયતમાં સુધારો થવાથી આઇસીયુમાંથી બહાર આવેલા ગોધરાના એક કોરોના પીડિત એ જણાવ્યું કે, અહીંના તબીબો અને સ્ટાફ ખડે પગે કામ કરી દર્દીઓને સેવા આપી રહ્યાં છે જે વખાણને પાત્ર છે.
આ લોકો દવા, ગોળી આપવા, બોટલ ચઢાવવા જેવી બાબતોમાં ખૂબ ધ્યાન આપે છે. સતત દર્દીની પૂછપરછ કરે છે. એમની ઘણી સારી સેવાઓ માટે ખૂબ ખૂબ આભાર. ગોત્રીની આ ખાસ કોવિડ હોસ્પિટલની કાળજી સભર સારવાર થી અગાઉ 9 દર્દી સાજા થઈ ગયા છે. આજના ૩ સાથે કુલ 12 દર્દીઓ સ્વાથ્ય લાભ પામ્યા છે.