- પોલીસે કુલ 906 પેન્ટાઝોશીન લેક્ટેટ ઇન્જેક્શન કબજે કર્યાં
- પોલીસે 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- એન્ટરપ્રાઇઝની આડમાં પેન્ટાઝોશીન લેક્ટેટ ઇન્જેક્શનનો વેપલો
વડોદરા: દેવ એન્ટરપ્રાઇઝની આડમાં પેન્ટાઝોશીન ઇન્જેક્શન સપ્લાય કરવામાં આવી રહ્યાં હતા. સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા ગોત્રી મધર સ્કૂલ પાસેથી સપ્લાયર અને 2 રિસિવરને SOGએ ઝડપી લીધા હતા.
પોલીસે ગોત્રી મધર સ્કૂલ પાસેથી સપ્લાયર સહિત 3ને દબોચી લીધા
સહેલાઇથી મળી આવતા ડ્રગ્સના રવાડે ચઢેલી યુવા પેઢીને બર્બાદ કરતા શખ્સો શહેરમાં હજી સક્રિય છે. ત્યારે દેવ એન્ટરપ્રાઇઝની આડમાં પેન્ટાઝોશીન લેક્ટેટ ઇન્જેક્શનનો વેપલો ચાલવામાં આવતો હોવાની જાણકારી SOGને મળી હતી. જેના આધારે પોલીસે ગોત્રી મધર સ્કૂલ પાસેથી સપ્લાયર સહિત 3ને દબોચી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લાની નેનાવા બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ કરાઇ
માહિતીના આધારે પોલીસની ટીમ મધર સ્કૂલ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ગોત્રી વિસ્તારમાં મધર સ્કૂલ પાસે રિક્ષામાં એક શખ્સ પેન્ટાઝોશીન ઇન્જેક્શનની ડિલીવરી કરવા આવશે. તેવી માહિતી SOGને મળી હતી. માહિતીના આધારે પોલીસની ટીમ મધર સ્કૂલ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન રિક્ષામાં આવેલા સપ્લાયર વિજય પંચાલ અને હોન્ડા કારમાં આવેલા સુરજ પટેલ અને હરીશ પંચાલ રિસીવરને પોલીસે દબોચી લીધા હતા.
આ પણ વાંચો:ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પોલીસે ઝડપેલા ત્રણેયની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, દેવ એન્ટરપ્રાઇઝ, જ્યાં ચોકલેટ, સેનેટરી પેડ્સ અને ચાનો વેપાર કરવામાં આવ્યો હતો. તેના ઓથા હેઠળ આ શખ્સો પેન્ટાઝોશીન ઇન્જેક્શન મંગાવી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લોકોને પહોંચાડતા હતા. તેમજ વિજય પંચાલ રિક્ષામાં પેન્ટાઝોશીન લેક્ટેટ ઇન્જેક્શન સપ્લાય કરતો હોવાનુ બહાર આવ્યું હતુ. નશો કરવા માટે વપરાતા પેન્ટાઝોશીન ઇન્જેક્શન આ ટોળકી ક્યાંથી અને કોણી પાસેથી મંગાવતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
કુલ રૂપિયા 27,180ની કિંમતના 906 ઇન્જેક્શન જપ્ત
પેન્ટાઝોશીનનુ વેચાણ કરતા ઝડપાયેલા ત્રણેય શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 27,180ની કિંમતના 906 ઇન્જેક્શન સહિત રિક્ષા, મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.