- પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઈને કોંગ્રેસનો સાયકલ યાત્રા દ્વારા વિરોધ
- સાયકલ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા
- પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ સહિત કુલ 20 કોંગી કાર્યકર્તાઓની અટકાયત
વડોદરા : દેશભરમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચતા વડોદરા કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા હતા. જોકે, પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત કુલ 20 કાર્યકર્તાઓની અટકાયત કરતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.
કોંગી અગ્રણીઓ કારમાં આવીને સાયકલ યાત્રામાં જોડાયા
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં શહેર-જિલ્લાના અગ્રણીઓ જેવા કે, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા અમી રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ચિરાગ ઝવેરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ તેમજ કોર્પોરેટરો પોતપોતાની કારમાં સાયકલ યાત્રાના સ્થળ સુધી પહોંચ્યા હતા. જ્યારબાદ કારમાંથી ઉતરીને તરત જ સાયકલ યાત્રામાં જોડાતા રાહદારીઓમાં કૂતુહલતાના દ્રશ્યો સર્જાયા હતા.