ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ઇફેક્ટઃ દિવાળી વેકેશનમાં સુરતનું પ્રાણી સંગ્રહાલય નહીં ખુલે, મનપાને આશરે 50 લાખથી વધુનું નુકસાન - પ્રાણી સંગ્રહાલય

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ અનલોક-5માં વધુ છૂટછાટ આપતી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઇન મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલય ખોલવાની વિચારણા શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા પોતાનો આ નિર્ણય હાલ પૂરતો માંડી વાળવામાં આવ્યો છે.

કોરોના ઇફેક્ટમાં પ્રાણી સંગ્રહાલયની આવકમાં પડ્યો માર, 50-60 લાખ રુપિયાનો માર પડ્યો
કોરોના ઇફેક્ટમાં પ્રાણી સંગ્રહાલયની આવકમાં પડ્યો માર, 50-60 લાખ રુપિયાનો માર પડ્યો

By

Published : Oct 13, 2020, 5:13 PM IST

સુરત: સુરત કોર્પોરેશનના આ નિર્ણયને પગલે દીવાળી સુધીમાં સરથાણા નેચર પાર્ક સહેલાણીઓ માટે ખુલે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી. જેથી દીવાળીના દિવસોમાં પાલિકાને માત્ર પાંચ દિવસ દરમિયાન થતી આશરે 50-60 લાખ રૂપિયા જેટલી ખોટ પડવાની છે

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલું પ્રાણી સંગ્રહાલય સુરતવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ગણવામાં આવે છે. સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં આવેલા જાતભાતના પશુ અને પક્ષીઓ જોવા સામાન્ય દિવસોમાં તો લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ દીવાળીના તહેવારોમાં હજારોની સંખ્યામાં અહીં સહેલાણીઓનો ઘસારો જોવા મળે છે. જો કે માર્ચ મહિનાથી લાગેલા લોકડાઉનના કારણે આ પ્રાણી સંગ્રહાલય સતત 7 માસથી બંધ પડ્યું છે. જેના કારણે અહીં આવતાં સહેલાણીઓમાં પણ ઉદાસીનતા હોવાનું જાણવા મળે છે.

સરથાણા પ્રાણી સંગ્રહાલય ખોલવાનો નિર્ણય સુરત પાલિકાએ પડતો મૂક્યો

કેન્દ્રની જાહેરાત બાદ રાજ્ય સરકાર દ્વારા અનલોક-5માં વધુ છૂટછાટ સહિતની ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી હતી. જ્યાં સરથાણા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલયને ફરીથી ખોલવા અંગેનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો હતો. પરંતુ સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે અને પ્રતિદિવસ સુરત સહિત જિલ્લામાં 250થી પણ વધુ કેસો આવી રહ્યાં છે. જે ગંભીર બાબતને ધ્યાનમાં લઈ પાલિકાએ પોતાનો નિર્ણય માંડી વાળ્યો છે. જેના કારણે સરથાણા પ્રાણી સંગ્રહાલય દીવાળી સુધીમાં ખુલે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી.

પાલિકા અધિકારીના જણાવ્યા પ્રમાણે લાભ પાંચમ બાદ સરથાણા પ્રાણી સંગ્રહાલય ખુલે તેવી આશા છે. દીવાળીના દિવસોમાં 25 હજાર જેટલા લોકોનો ઘસારો રહે છે અને વર્તમાન સ્થિતિમાં પરિસ્થિતિ સંભાળી શકાય તેમ નથી. એટલુ જ નહીં પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં લોકોના ભારે ઘસારાના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે હાલ પ્રાણી સંગ્રહાલયને ખોલવાનો નિર્ણય માંડી વાળવામાં આવ્યો છે.

આ વખતે સુરત મહાનગરપાલિકાને દર દીવાળીના દિવસોમાં થતી 50થી 60 લાખ રૂપિયા આવકમાં પણ મોટો માર પડવાનો છે. જે વાતને નકારી શકાય તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દીવાળીના દિવસોમાં લોકો હરવા ફરવા માટે મોટી સંખ્યામાં પરિવાર સાથે બહાર નીકળતાં હોય છે. તેમાં ખાસ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સહેલાણીઓનો ભારે ઘસારો રહેતો હોય છે. પરંતુ સુરતમાં પ્રવર્તી રહેલી કોરોનાની મહામારીના કારણે આ દીવાળીએ સરથાણા પ્રાણી સંગ્રહાલયને ખોલવાનો નિર્ણય પાલિકાએ બરતરફ કર્યો છે. જેને લઈ અહીં આવતાં સહેલાણીઓમાં ઉદાસીનતા છવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details