સુરતમાં 15 દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં મોટો ખુલાસો - સુરત
સુરત: કતારગામ અને રાંદરને જોડતા તાપી નદી પરના કોઝવે નજીક રાંદેરમાં જ રહેતા યુવાન પર કેટલાક ઈસમો દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં યુવાનનું મોત થયું છે. જેના પગલે રાંદેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે, ભાઈ સાથે 15 દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે.

રાંદેરના ઈકબાલ નગરમાં આરીફ રહેમાન સૈયદ પત્ની, ત્રણ દીકરી અને એક દીકરા સહિતના પરિવાર સાથે રહેતો હતો અને કેટ્રસના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ગુરૂવારે વહેલી સવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કોઝવે નજીક ભાઈ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે વોચ ગોઠવી હતી. જેમાં આરીફ આવતાની સાથે બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી આરીફ ફરાર થઈ ગયો હતો, ત્યારબાદ તુરંત તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં તાત્કાલિક ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.