ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર, 6 મહિના બાદ વિશ્વને મળશે સૌથી મોટો ગ્રીન ડાયમંડ બુર્સ - Surat Diamond Bourse built in surat

6 મહિના બાદ સુરતમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગ હબની શરૂઆત થઈ જશે. સુરત ડાયમંડ બુર્સમાં એક જ જગ્યાએ રફ ડાયમંડનું ઓક્શન અને પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે, વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ ટ્રીટેડ પાણીથી તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ વિશ્વ સામે ગ્રીન પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે.

surat
surat

By

Published : May 16, 2021, 9:53 AM IST

Updated : May 16, 2021, 5:09 PM IST

  • આ પ્રોજેક્ટમાં સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ જોવા મળશે
  • છ મહિના બાદ વિશ્વને મળશે સૌથી મોટો ગ્રીન ડાયમંડ બુર્સ
  • જેમાં 2 લાખ કરોડનો વેપાર થશે
    સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર, છ મહિના બાદ વિશ્વને મળશે સૌથી મોટો ગ્રીન ડાયમંડ બુર્સ

સુરત: 6 મહિના બાદ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ મળવા જઈ રહ્યું છે. જે સુરતમાં તૈયાર થઇ રહ્યું છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પાર પાડી રહ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેની ઉપર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે. આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ બનશે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર થઈ રહી છે, જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર થઈ રહ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.

આ પણ વાંચો: રફ ડાયમંડની માગ વધતા સુરતનો હીરા ઉદ્યોગ થયો ધમધમતો, જુઓ વિશેષ અહેવાલ

સુરત ડાયમન્ડ બુર્સની ખાસિયત

  • 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે
  • 20 માળના 9 ટાવર છે, જેમાં 4,500 ઓફિસ છે
  • પંચતત્વ થીમ પર બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઇપણ ગેટથી ઓફિસમાં 5 મિનિટમાં પહોંચી શકાશે
  • તમામ ટાવરમાં 128 લિફ્ટ છે. 16 માળ 18 સેકન્ડમાં પહોંચી શકાય છે
  • પ્રોજેક્ટની કિંમત રૂપિયા 2,500 કરોડ છે
  • 1.25 લાખ કરોડનું કુલ મૂડી રોકાણ
  • 46,000 ટન સ્ટીલનો વપરાશ
  • એક જ જગ્યા પર રફ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર થશે
  • પ્રોજેક્ટના કારણે સુરતમાં 2 લાખ કરોડનો વેપાર આવનારા દિવસોમાં થઈ શકશે
  • બિલ્ડિંગમાં આગ ઓલવવાની મશીનરી 2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા ધરાવે છે
  • બિલ્ડિંગની ઉપર 400 KV સોલાર રૂફ મૂકવાની સાથે 1.8 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે
  • વીજળી અને પાણીની પણ મોટા ભાગની બચત થઈ શકશે
  • 22 ઓક્ટોબર 2016ના રોજ ગુજરાત સરકારે 36 એકર જમીન સુરત ડાયમંડ બુર્સ કમિટીને સોંપી હતી અને પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું
    સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર

MSME સાથે જોડાયેલા લોકોને લાભ

સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનશે. અહીં 4,500 ઓફિસ બની રહી છે. મુંબઈ અને વિદેશના વેપારીઓએ અહીં બુકિંગ કરાવ્યું છે. જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે. વિશ્વના ખૂણે ખૂણાથી જ્યારે બાયર્સ અહીં આવશે, ત્યારે જે MSME સાથે જોડાયેલા જે લોકો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે ઓછા ભાવે અહીં ઓફિસો બુકિંગ કરાવી છે. ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેના કારણે સીધો લાભ વેપારીને થશે. - દિનેશ નાવડીયા - GJPCI-વેસ્ટ ઝોન ચેરમેન

શું કહે છે GJPCI વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડીયા

હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે મુશ્કેલીઓ હતી. કારણ કે, સુરતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે અને મુંબઈમાં ટ્રેડિંગ હબ છે. વેપારીઓને બન્ને જગ્યાએ ઓફિસ રાખવી પડતી હતી. જેનો ખર્ચો પણ વધારે હતો. કોરોનાકાળના 2 વર્ષમાં જોવામાં આવ્યું કે, મુંબઈની અંદર વેપારની અસર થઈ છે. વેપારીઓને અહીં શૈક્ષણિક, મેડિકલ અને પોતાના આવવા-જવા જેવી સુવિધાઓ ઓછા ભાવે મળી રહેશે. આ સાથે જ આ ટ્રેડિંગ હબના કારણે સ્થાનિક લોકોને પણ રોજગાર મળશે. સૌથી અગત્યની વાત આ છે કે, તમામનો ઇન્કમટેક્સ રિટર્ન સુરત ફાઈલ થશે. જેનો સીધો લાભ ગુજરાત સરકારને મળશે. આ પ્રોજેક્ટ 2,500 કરોડ રૂપિયાનો છે. લોકો પાસે પૈસા લઈને જ આ પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરાય છે. જેમાં દેશ અને વિદેશના વેપારીઓ શામેલ છે. આર્થિક રીતે સરકારનો કોઇ પણ સહયોગ નથી. સમગ્ર રોકાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યો છે.- દિનેશ નાવડીયા - GJPCI-વેસ્ટ ઝોન ચેરમેન

આ પણ વાંચો: સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે, રૂપિયા 355 કરોડના ખર્ચે સુરત એરપોર્ટનું વિસ્તરણ કાર્ય શરૂ

શું કહે છે બુર્સના કોર કમિટી મેમ્બર માથુર સવાણી

4,500 વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. 175 દેશોના વેપારીઓ સુરતમાં પોલીસ ડાયમંડ ખરીદવા માટે આવશે. દુનિયાભરના રો-મટિરિયલની હરાજી સુરતમાં થશે. 6 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે. વિશ્વના 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. જેથી આવનારા દિવસોમાં સુરતથી 2 લાખ કરોડનો વેપાર થશે. ગ્રીન બિલ્ડિંગના તમામ ધારાધોરણોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટની બિલ્ડિંગમાં જે પાણીનો વપરાશ કરવામાં આવે છે, તે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરાબ પાણીનું ટ્રીટમેન્ટ કરીને એમને આપવામાં આવતું હોય છે. -માથુર સવાણી - બુર્સના કોર કમિટી મેમ્બર

વડાપ્રધાન મોદી કરશે ઉદ્ધાટન

ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વેપારીઓ તજવીજ કરી રહ્યા છે. દિવાળી પર આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળના કારણે આ પ્રોજેક્ટને મોડું થઈ રહ્યું છે. આમ છતાં પ્રોજેક્ટ 6 મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. આ વાત પ્રોજેક્ટ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.

Last Updated : May 16, 2021, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details