સુરત શહેરને લોકો હીરા નગરી કહે છે. આ હીરા નગરીમાં હવે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. છેલ્લા 8 માસની અંદર જ સુરતમાં અંદાજે 1100 જેટલા રત્નકલાકારોને છુટા કરવામાં આવ્યા છે.
સુરતને હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે. હીરાની ચમક ધરાવતા આ સુરત શહેરમાં 10 માંથી 8 હીરા સુરતમાં જ બને છે. પરંતુ બદલાતા સમયની સાથે હીરાનગરી સુરતમાં હીરાની ચમક ક્યાંકને ક્યાંક ઝાંખી પડી રહી છે. હીરા નગરી સુરતમાં ખુદ રત્ન તૈયાર કરતા રત્નકલાકરોની હાલત જ કફોડી બની રહી છે. છેલ્લા 8 માસની વાત કરીએ તો 1100 જેટલા રત્નકલાકારોની રોજી રોટી છીનવાઈ છે.
રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ જણાવ્યું કે, છેલ્લાં દોઢેક મહિનામાં 15 થી 17 જેટલી હીરાની કંપનીઓના કારીગરોએ ફરિયાદો કરી છે. અત્યાર સુધીમાં 200થી 250 જેટલાં કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે. મંદીને કારણે છુટાં કરાયાનું કારીગરો જણાવે છે. પરંતુ ફરિયાદમાં અમુક કારીગરને છૂટા કરાયાના કિસ્સા વધુ છે.
હીરા બજારમાં મંદીનો માહોલ તેમણે વધુમાં જણાવ્યું કે, જે કંપનીઓએ વધારે પ્રમાણમાં કારીગરોની છૂટા કર્યા છે. તેમાંના કેટલાક કારીગરોને પરત લીધાં પણ છે. છેલ્લાં એક વર્ષથી કારીગરોને છુટાં કરવાનું ચાલી રહ્યું છે અને ઓછામાં ઓછા એક હજાર જેટલાં કારીગરો છૂટા થયાં છે. બેકાર થયેલા કારીગરો ફરિયાદ કરવાનું ટાળે છે અને તેને કારણે બહુ ઓછી ફરિયાદો રત્નકલાકાર સંઘને મળે છે. છુટાં થયેલાં કારીગરો પૈકી 20 ટકા કારીગરો જ ફરિયાદ માટે આવ્યાં છે.
જયસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે અમે પહેલા પણ સરકારને રજૂઆત કરી હતી. બેરોજગારી ભથ્થું, રત્નકલાકારો માટે આવાસ જેવી અનેક માંગો કરી હતી. પરંતુ આજદિન સુધી તેનો કોઈ જ નિવારણ લાવવામાં આવ્યું નથી. જો રત્નકલાકારોને છુટા કરવાનું મુખ્ય કારણની વાત કરીએ તો કંપનીના માલિકો મંદી, અને ઉઠમણાની વાતો કરી કારીગરોને છુટા કરે છે.
જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, સરકાર પાસેથી રત્નકલાકારોને ઘણી અપેક્ષઓ હતી. પરંતુ આજદિન સુધી એક પણ અપેક્ષાઓ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. હીરાની આન બાન અને શાન ગણાતો હીરા ઉધોગમાં રત્નકલાકારોની હાલત કફોડી બની રહી છે. ત્યારે હવે સરકાર આ મામલે અસરકાર પગલા ભરે તેવી રત્નકલાકારોની માંગ છે.