- વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો
- મહિલાએ આર્થિક તંગી છે કહી પૈસાની માંગણી કરતા હત્યા કરી
- પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે આપોરીની ધરપકડ કરી
સુરત :શહેરમાં ગત રવિવારે સુરતના ઝાંપાબજાર અલ ખલીલ ટી સેન્ટરની સામે આવેલા અવાવરૂં મકાન વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી અજાણી મહિલાનો કહોવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તેની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાની ઓળખ શબાના જાવીદ સૈયદ તરીકે તેના ભાઈ અશફાક મુસ્તાક સૈયદે કરી હતી. શબાના ચોકબજાર વિસ્તારમાં ઘરકામ માટે જતી હતી. ગત 10મીના રોજ સવારે ચોકબજાર એ-વન કોકોની ગલીમાં સિલ્ક હાઉસ માર્કેટ પાસે કોઈ એપાર્ટમેન્ટમાં ઘરકામ પતાવી બપોરે દોઢ વાગ્યે નીકળી હતી. પરંતુ ઘરે પહોંચી ન હતી.
વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાં મહિલાનો મૃતદેહ મળ્યો
અઠવા પોલીસે તેના ગુમ થયાની નોંધ કરીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તેની ભાળ મળી નહોતી. ગત રવિવારે વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાં મહિલાનો મૃતદેહ મળતા પોલીસે અશફાકને બોલાવી ખરાઈ કરતા તેણે કપડા અને અન્ય વસ્તુઓના આધારે તેની ઓળખ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શબાનાની હત્યા માથામાં ઈજા થતા અને ગળું દબાવવાથી થઈ હોવાનો ખુલાસો થતા મહિધરપુરા પોલીસે અશફાકની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.