સુરત: કોરોના મહામારીમાં જારી કરાયેલા લૉકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે અને આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય ન લઈ શકતાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપતા કહ્યું કે સરકાર સ્વતંત્ર રીતે ફી નક્કી કરી આ મુદ્દે ઠરાવ રજૂ કરે અને દરેક શાળાએ ઠરાવનું પાલન કરવાનું રહેશે.
ફી મુદ્દે હાઇકોર્ટના હુકમ બાદ સુરતના શાળા સંચાલક અને વાલીઓએ શું કહ્યું!
ફી મુદ્દે હાઇકોર્ટ દ્વારા શુક્રવારના રોજ આપવામાં આવેલા હુકમ બાદ સુરતના વાલીઓએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, છેલ્લા પાંચ માસથી વાલીઓ કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યા બીજી તરફ શાળા સંચાલકો ફી માટે દબાણ કરી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય લઈ શકી નથી.
શુક્રવારના રોજ ગુજરાત હાઈકોર્ટે આપેલ હુકમ બાદ સ્પષ્ટ થયું છે કે સરકાર ખાનગી શાળાઓને છાવરી રહી છે. હાઇકોર્ટે ટાંકયું છે કે રાજ્ય સરકાર પાસે શાળાઓની ફી નક્કી કરવા માટેની પૂરેપૂરી સત્તા રહેલી છે. જેથી રાજ્ય સરકારે હાઇકોર્ટ પાસે આવવાનું રહેતું નથી. શાળા સંચાલક મંડળ અને રાજ્ય સરકાર આ મામલે બેઠક કરી ફી નક્કી કરે તેવો હુકમ કર્યો છે. જેને લઈ હવે રાજ્ય સરકારનો આગળનો સ્ટેપ શુ હશે તેના પર સૌ કોઈ વાલીમંડલની મીટ મંડાયેલી છે.
હાઈકોર્ટમાં શાળા-સંચાલકો તરફે રજૂઆત કરવામાં આવી કે વિધાર્થીના વાલીઓની આર્થિક સ્થિતિ જોઈને ટયુશન ફીમાં 10 ટકાથી 100 ટકા સુધીની રાહત આપી શકાય. જોકે આમાં પાછળથી ઘર્ષણની શકયતા હોવાથી હાઈકોર્ટે આ રજૂઆતને નકારી દીધી હતી. બીજી તરફ વાલી મંડળે રાજ્ય સરકારની ટયુશન ફી માં 25 ટકા ફ્લેટ ઘટાડાની માગનો સ્વીકાર કર્યો હતો. એપિડેમીક એકટને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોની સરકારના નિયમોનું શાળાઓએ પાલન કર્યું છે.