- સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતો વીડિયો વાઇરલ
- ડીજે પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સુરત પોલીસ પર અનેક સવાલો
- વાઇરલ વીડિયોની તપાસ ચાલી રહી છે : પોલીસ
સુરત : સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલો છે. આ વીડિયોમાં સુરતના પીપલોદ પાસે આવેલી મિ.મેકન્કેટ હોટલમાં યુવાનો ડીજે પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે, આ હોટલના 200 મીટર દૂર જ ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની પીપલોદ પોલીસ ચોકી આવી છે. પોલીસને પણ ખબર ના પડે તે રીતે આ ડીજે પાર્ટીનું BOLLY BOOM NIGHT CULB દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો કોરોના નિયમના ધજાગરા ઉડાવતા માસ્ક, સોશિયલ ડિસ્ટંન્સ વગર જોવા મળી રહ્યા છે.
સુરત પોલીસ પર અનેક સવાલ
આ વીડિયો વાઈરલ થયા બાદ એ જોવાનું રહ્યું કે, શું સ્થાનિક ઉમરા પોલીસ આ અંગે કોઈ તપાસ કરશે કે નઈ, કે ખાલી મોટી મોટી વાતો કરનાર સુરત પોલીસ કમિશ્નર અજય કોમરના જાહેરનામાં ખાલી કાગળ ઉપર જ દેખાડશે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતા હોવાની વાત પર આ પાર્ટી કેવી રીતે થઈ તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 36 જેટલા કોરોના કેસ
સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં કોરોનાના કુલ 36 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જન બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના યંગસ્ટર હોટલોમાં ડીજે પાર્ટી કરી રહ્યા છે. રાજ્યમાં તથા શહેરમાં ત્રીજી લહેરથી બચવા સરકાર તૈયારી કરી રહી છે. તો સામે બીજી બાજુ લોકો કોરોનાની બીજી લહેરને ભૂલી પોતાના આનંદ ઉત્સવ મનાવવા માટે તત્પર જોવા મળી રહ્યા છે.