ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાક નુકસાન મુદ્દે હોબાળો, વિપક્ષે ખેડૂતોના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા - સભામાં વિપક્ષોનો હોબાળો

સુરત જિલ્લા પંચાયતની ટર્મ પૂર્ણ થવાની છે. આગામી ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે અને નવા હોદ્દેદારોની નિમણૂક થશે. આ પહેલા સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા હાલ વરસાદના કારણે ખેડૂતના પાકને થયેલા નુકસાન અને સરકાર દ્વારા કરાયેલા સર્વેની કામગીરીને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેને લઇ સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.

Etv bharat Surat
સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાક નુકસાન મુદ્દે હોબાળો

By

Published : Sep 24, 2020, 3:25 PM IST

સુરતઃ જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં ભારે હોબાળો સર્જાયો હતો. હાલ વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ હોબાળો મચાવવામાં આવ્યો હતો.

સામાન્ય સભામાં ખેડૂતોના ઉભા પાકને ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે રી-સર્વે કરી તત્કાલ ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવા સહિતના મુદ્દા ઉઠાવવમાં આવ્યા હતા. વિપક્ષના સભ્ય દર્શન નાયકે જણાવ્યું હતું કે, વરસાદના કારણે આઠ હજાર હેક્ટરના પાકને નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા માત્ર ચાર હજાર હેક્ટર પાકનો જ સર્વે કરવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાક નુકસાન મુદ્દે હોબાળો
ખેડૂતના મુદ્દે સામાન્ય સભામાં હોબાળો કરતી વખતે દર્શન નાયકે માઈક પણ ફેંકી દીધું હતું. જ્યારે બીજી બાજુ જમીન અને અધિકારીઓની બદલીને લઈ પણ સામાન્ય સભામાં ભારે ચર્ચા થઈ હતી. જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગના ચેરમેન કિશોર પાનવાલાએ અધિકારીઓ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, લોકોમાં ચર્ચા છે કે ભ્રષ્ટાચારના કારણે ડૉક્ટર શાંતા કુમારીની ત્રણ મહિના પહેલા માંગરોળમાં બદલી કરાઇ હતી. તેની ફરીથી સુરતના કામરેજ ખાતે બદલી કરવામાં આવી છે. જેને લઇને અમે સભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ટર્મ ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થવાની છે અને આ છેલ્લી સામાન્ય સભા મળી હતી. જેમાં અનેક મુદ્દાઓને લઇ ભારે હોબાળો જોવા મળ્યો હતો. હવે ડિસેમ્બર મહિનામાં સુરત જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે અને નવા હોદ્દેદારો નિયુક્ત થશે.

ABOUT THE AUTHOR

...view details