સુરત: કેન્દ્ર સરકાર કૃષિક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં 'કૃષિ સુધાર- 2020' બિલે કાયદાનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરાયેલા ઐતિહાસિક કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે તેમજ ખેડૂતોને તેમની પેદાશોના વેચાણ સંદર્ભે સ્વતંત્રતા મળશે. કૃષિ સુધારા કાયદોએ કેન્દ્ર સરકારનું ક્રાંતિકારી પગલું છે. વર્તમાન વ્યવસ્થામાં ખેડૂતોની પેદાશની થઈ રહેલી લઘુત્તમ ટેકાના ભાવની ખરીદી, એપીએમસીની વ્યવસ્થા ચાલુ જ રહેશે. ખેડૂતોને તેમના ખેતપેદાશ માટે લાભદાયક કિંમતો મળે તેમજ ખેડૂતોની આવક બમણી થાય અને જીવનધોરણ સુધરે એ કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું છે. કૃષિ સુધારા કાયદાઓ અંગે જાણકારી આપતાં કેન્દ્રીય શિપિંગ, કેમિકલ અને ફર્ટીલાઈઝર વિભાગના રાજ્યપ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું. તેમજ કૃષિ સુધારા કાયદા અંગે ભ્રામક અપપ્રચાર સામે જનતા અને ખેડૂતો જાગૃત્ત બને અને વાસ્તવિકતાથી વાકેફ થાય તેવો ભાર આપ્યો હતો.
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા સુરત સર્કિટ હાઉસ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા છ વર્ષમાં ખેડૂતોને તેમની ઉપજની લાભદાયક કિંમત મળે, ખેડૂતોની આવક અને જીવનધોરણ સુધરે તે દિશામાં ખેડૂતોના હિતમાં વિવિધ સીમા ચિન્હરૂપ નિર્ણય કરવામાં આવ્યા છે. 'ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરળીકરણ) બિલ 2020' અને 'ખેડૂતોને (સશક્તિકરણ અને રક્ષણ)કિંમતની ખાતરી અને કૃષિ સેવા બિલ 2020' ને દેશની સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં ખાતરી આપી છે કે, નવા કાયદાઓમાં ખેડૂતોના તમામ હિતો જાળવવામાં આવ્યા છે, આ કાયદો ખેડૂતોના લાભ માટે છે, પરંતુ રાજકીય બદઇરાદાથી કેટલાક લોકો દ્વારા આ બંને કૃષિ કાયદાઓ અંગે ભ્રામક અપપ્રચાર કરીને ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
વર્ષ 2004માં કેન્દ્ર સરકારે એમ.એસ.સ્વામીનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કિસાન પંચની રચના કરી હતી. આ પંચે જે કૃષિ સુધારા અંગે ભલામણો કરી હતી એનો જ આ કાયદામાં અમલ કરવામાં આવ્યો હોવાનું માંડવીયાએ સ્પષ્ટપણે કહ્યું હતું. માંડવીયાએ 'ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરળીકરણ) કાયદો-૨૦૨૦'ના વ્યાપક ફાયદાઓ અંગે જણાવ્યું હતું કે, આ કાયદાના અમલથી ખેડૂતો અને વેપારીઓને કૃષિ ઉત્પાદનનું વેચાણ અને ખરીદી કરવા અંગે સ્વતંત્રતા મળશે, રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર અવરોધમુક્ત વેપારને પ્રોત્સાહન મળશે, ખેડૂતો તેમનું કૃષિ ઉત્પાદન રાજ્ય કૃષિ ઉત્પાદન વેચાણ કાયદા અંતર્ગત એ.પી.એમ.સી. તેમજ અન્ય અધિસૂચિત બજારો સહિત દેશમાં કોઈપણ જગ્યાએ પોતાના ઉત્પાદનનું વેચાણ કરી શકશે, ખેડૂતોને પોતાની પેદાશનું વેચાણ કરવા બદલ કોઈ સેસ, વેરો કે પરિવહન ખર્ચનું વહન પણ નહીં કરવું પડે. આ કાયદાથી ખેડૂતો તેમની ખેતપેદાશોનું દેશના કોઇપણ સ્થળે, કોઈપણ વેપારીને સીધું વેચાણ કરી શકશે, જેનાથી તેમને પોતાની પેદાશનું સારું મુલ્ય મળશે અને વચેટિયાઓ દૂર થશે.