- સુરતના ગોડાદરાથી યુવકો ફરવા આવ્યા હતા
- નદીમાં ન્હાતી વખતે બે યુવકો અચાનક ગરકાવ થયા
- શોધખોળ દરમિયાન એકનો મૃતદેહ મળી આવી
સુરત: બારડોલી તાલુકાના વાઘેચા (Vaghecha) ગામે ભાઈબીજના દિવસે ફરવા આવેલા સુરતના ગોડાદરાના બે યુવકો તાપી નદીમાં ન્હાતી વખતે ડૂબી ગયા હતા. બારડોલી ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરતાં એક યુવકનો મૃતદેહ (dead body) મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
મૂળ ઉત્તર પ્રદેશના છે બન્ને યુવકો
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના છાછપારા કાનૂનગોના રહેવાસી અરવિંદ રાજવંશી મિશ્રા ઘણા વર્ષોથી સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રહે છે. શનિવારે ભાઈ બીજના દિવસે અરવિંદનો ભત્રીજો વિકાસ સુબેદાર મિશ્રા (ઉ.વર્ષ 19) અને પિતરાઈ ભાઈ સુનિલ ઉર્ફે છોટુ અમરનાથ મિશ્રા ઉ.વર્ષ 18) તેમના અન્ય મિત્રો સાથે બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલા વાઘેશ્વર મહાદેવ મંદિરે ગયા હતા.
મંદિરે દર્શન બાદ તાપીમાં ન્હાવા પડ્યા
દર્શન બાદ મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીમાં કેટલાક મિત્રો નહાવા પડ્યા હતા. તે દરમિયાન વિકાસ અને સુનિલનો પગ અચાનક લપસી જતા તેઓ નદીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. સાથી મિત્રોએ બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને બચાવના પ્રયાસો હાથ ધર્યા હતા.