ગુજરાત

gujarat

ETV Bharat / city

રેમડેસીવીરના નામે ઓનલાઈન જાહેરાત કરી ઠગાઇ કરનારા બે ઝડપાયા - BARDOLI LOCAL NEWS

રેમડેસીવીર ઈંજેકશનનું ઓનલાઈન વેચાણની જાહેરાત કર્યા બાદ જરૂરતમંદ પાસેથી 3 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી દેવાના મામલે સુરત જિલ્લા સાઇબર સેલ પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર એકાઉન્ટ બનાવી રેમડેસીવીર અપાવવાની લાલચ આપી જરૂરિયાત વાળા લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રેમડેસીવીરના નામે ઓનલાઈન જાહેરાત કરી ઠગાઇ કરનારા બે ઝડપાયા
રેમડેસીવીરના નામે ઓનલાઈન જાહેરાત કરી ઠગાઇ કરનારા બે ઝડપાયા

By

Published : May 21, 2021, 11:40 AM IST

  • રેમડેસીવીર ઈંજેકશન ઓનલાઈન વેચવા માટે જાહેરાત આપી હતી
  • ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના માધ્યમથી ઈંજેકશન વેચવાના બહાને પૈસા પડાવતા હતા
  • ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા

બારડોલી: કોરોના કાળમાં રેમડેસીવીર ઈંજેકશન વેચાણ માટેની ઓનલાઈન જાહેરાત મૂકીને મરણ પથારીએ પડેલા નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી જીવ જોખમમાં મૂકનારા બે વ્યક્તિઓ વિરુદ્ધ સુરત જિલ્લા સાઇબર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ એકાઉન્ટ પર રેમડેસીવીરની જાહેરાત આપી જરૂરતમંદો પાસેથી રૂપિયા 3 લાખથી વધુની રકમ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવડાવી ઠગાઇ કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

રેમડેસીવીર ઈંજેકશનનું બ્લેક માર્કેટિંગ તથા ઓનલાઈન કૌભાંડ અંગેના ઈન્પુટ મળ્યા હતા

આ અંગે સુરત સાઇબર સેલ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા SOGની ટીમને સાઇબર ક્રાઇમ સેલ, CID ક્રાઇમ ગાંધીનગરથી કોવિડ-19 વાઇરસ સંક્રમણના દર્દીઓ માટે રેમડેસીવીર ઈંજેકશનની અછતની પરિસ્થિતીનો ગેરલાભ ઉઠાવી તેનું બ્લેક માર્કેટિંગ તથા ઓનલાઈન કૌભાંડ અંગેના ઈન્પુટ મળ્યા હતા. જે અંગે સુરત સાઇબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી.

સાળાએ વેચવા માટે આપેલ મોબાઇલનો ઉપયોગ કર્યો હતો

તપાસ દરમિયાન જે ફોન નંબર પરથી કૌભાંડ ચાલતુ હતું. તે શંકાસ્પદ નંબરની તપાસ કરતાં તે સુરતના કોસાડ અમરોલી ખાતે આવેલા બ્રાહ્મણી નગરમાં રહેતા મુકેશ માવજી અજુડિયા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તે ત્યાં રહેતો ન હોય પોલીસે મોબાઇલ ફોનના IMEI નંબરના આધારે તપાસ કરતાં તે ફોનમાં બીજા નંબર એક્ટિવ હતા. અને તે બંને સીમકાર્ડ વલસાડના મદનવાડ ખાતે રહેતા દેવેન્દ્રભાઈ સુરેશભાઇ પટેલના નામે રજીસ્ટર હતા. પોલીસે દેવેન્દ્રને બોલાવી પૂછપરછ કરતાં આ ફોન તેણે તેના સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી મેઘ મલ્હાર રેસિડેન્સીમાં રહેતા તેના બનેવી કુલદીપ મણિભાઈ કોઠીયાને વેચવા માટે આપ્યો હોવાનું જણાવ્યું હતું.

બે અલગ-અલગ ખાતામાં પૈસા જમા કરાવતા હતા

આથી પોલીસે કુલદીપ મણિભાઈ કોઠીયાને પૂછપરછ માટે SOG કચેરીએ બોલાવતા જાણવા મળ્યું હતું કે, તેણે રેમડેસીવીર ઈંજેકશનની જરૂરિયાતવાળાને ઈંજેકશન ઓનલાઈન વેચાણ માટે મૂકી જે વ્યક્તિઓને ઈંજેકશનની જરૂર હોય તેનો સંપર્ક કરી નાણાં ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેતો હતો અને ત્યારબાદ તે ફોન બંધ કરી દેતો હતો. આ માટે તેણે તેના મિત્ર મુકેશ માવજી અજુડીયા ઉર્ફે યગ્નેશ સાવલિયાની મદદ લીધી હતી. કુલદીપે મુકેશના એક્સિસ બેન્ક એકાઉન્ટ અને તેના સાળા દેવેન્દ્રભાઈના ગુજરાત ગ્રામીણ બેન્કના એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાનું કહેતો હતો.

ખાતામાં પૈસા જમા થાય પછી સીમકાર્ડ તોડી નાખતા હતા

બંનેએ ટેલિગ્રામ એપ્લીકેશનમાં ડાઉનલોડ કરી તેમાં રેમડેસીવીર નામનું ગ્રૂપ બનાવ્યું હતું અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ખોલી તેમાં પણ જાહેરાત કરી હતી અને અલગ- અલગ મોબાઇલ નંબર પરથી જરૂરતમંદ લોકોને વોટ્સએપ પર સંપર્ક કરી બેન્કના એકાઉન્ટ નંબર આપી તેમાં નાણાં જમા કરાવવા કહેતો હતો. નાણાં જમા થઈ ગયા બાદ તે સીમકાર્ડ તોડી નાખતા હતા. કુલ 26 જેટલા વ્યક્તિઓએ તેમણે આપેલા બેન્ક ખાતામાં રકમ જમા કરાવી હતી. જે પૈકી 18 લોકોએ મુકેશ માવજી આજુડિયાના ખાતામાં 1,60,066 તથા દેવેન્દ્રભાઈના સુરેશ પટેલના એકાઉન્ટમાં 8 લોકોએ 1,41,403 403 રૂપિયા મળી કુલ 3,01,469 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે બંને આરોપીઓ કુલદીપ મણિભાઈ કોઠીયા અને મુકેશ માવજી અજુડીયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details