- સુરતમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન બે દિવસમાં બે હત્યા
- જૂની અદાવત રાખી બે મિત્રોએ પોતાના જ મિત્રને પતાવી દીધો
- પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની તપાસ શરૂ કરી
સુરતમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન બે દિવસમાં બે હત્યાની ઘટના - કતારગામ વિસ્તાર
સુરતમાં બે દિવસમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન બે હત્યાની ઘટના સામે આવી છે. સુરતના પુણા ભૈયાનગરમાં જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી પોતાના મિત્રની ઘાતકી હત્યા કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતઃ સુરતમાં બે દિવસમાં બે હત્યાની ઘટના સામે આવી છે. ગત રોજ કતારગામ વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી તો આજે બીજી ઘટના સુરતના પુણા વિસ્તારમાં બની છે. પુણા ભૈયા નગર પાસે સારથી કોમ્પલેક્સ નજીક રહેતા 30 વર્ષીય દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુની સોમવારે રાત્રે કરફ્યૂના સમયગાળા દરમિયાન જ તેના બે મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુને અગાઉ કિશન શંકર કનોજિયા અને જયેશ શંકર કનોજિયા સાથે કોઈ વાતે તકરાર થઈ હતી, જેની અદાવત રાખી આ બંનેએ દેવેન્દ્ર ઝાવરે પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. કિશન અને જયેશ તેમ જ તેના બે સાગરિતો દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવેન્દ્ર ઝાવરેને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો.