- સુરતમાં વેચવા માટે દિલ્હીથી ડ્રગ્સ મંગાવતા હતા
- કુલ 2 કિલો ગાંજો, 100 ગ્રામ ચરસ તથા 315 જેટલી નશીલી દવાઓ જપ્ત કરાઇ
- બે દંપતિની પણ ધરપકડ કરવામાં આવી
સુરત: દિલ્હીથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ટીમ, સુરત SOGની ટીમ સાથે મળીને સુરતના અડાજણ વિસ્તારમાં એલ.પી.સવાણી રોડ પર આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટના એક ઘરમાં છાપો માર્યો હતો. ત્યાં તેમણે ઘરના રૂમમાંથી કુલ 2 કિલો ગાંજો, 100 ગ્રામ ચરસ તથા 315 જેટલી નશીલી દવાઓ જપ્ત કરવામાં આવી હતી. સાથે બે દંપતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ બધા જ નશીલા દ્રવ્યો દિલ્હીથી ઓનલાઇન મંગાવવામાં આવતા હતા તથા સુરતના ફિક્સ ગ્રાહકોને આપવામાં આવતા હતા.
દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ સુરત આવી પહોંચી
દેશમાં ચરસ-ગાંજા, ડ્રગ્સ જેવી વસ્તુઓ આજના નવયુવાન તથા ખાસ કરીને કોલેજીયન યુવાનોને બરબાદ કરી રહી છે, ત્યારે સુરત નહીં પરંતુ આખા દેશમાં આના વિરુદ્ધ પોલીસ સરકારી કર્મચારીઓએ એક નવી ઝુંબેશ ચાલુ કરી છે. તેના આધારે દિલ્હીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને દિલ્હીના બાતમીદારો તરફથી મળતી માહિતી મુજબ દિલ્હીથી ગાંજો, ચરસ, ડ્રગ્સ ઓનલાઈન મારફતે સુરતમાં પણ મોકલવામાં આવે છે.
નક્ષત્ર એપાર્ટમેન્ટમાં છાપો મારી ચરસ, ગાંજો તથા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
જેની જાણ થતાં દિલ્હીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ શુક્રવારે સુરત આવી પહોંચી હતી. ત્યારબાદ આ ટીમ દ્વારા સુરત SOGનો સંપર્ક કરીને દિલ્હી નાર્કોટેસ્ટ કંટ્રોલ ટીમ સાથે મળી આ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં સુરતના અડાજણ ખાતે રહેતા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં છાપો મારી ચરસ, ગાંજો તથા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું તથા સાથે બે દંપતીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરતની કોર્ટમાં રજૂ કરી બન્ને દંપતીઓને દિલ્હીથી આવેલી નાર્કોટિક્સ કંટ્રોલ ટીમ પોતાની સાથે લઇ ગઇ હતી.