ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ - Remdesivir NEWS

કોરોના આફતને કેટલાક લોભિયાઓ પોતાના માટે અવસર બનાવી રહ્યા છે. સુરતમાં એક્સપાયર થયેલા રેમડેસીવીર ઇન્જેક્શન વેચનારા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તેમજ તેને ઈન્જેક્શન આપનારા ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરના હેડની સરથાણા પોલીસે ધરપકડ કરી છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ

By

Published : Apr 25, 2021, 6:25 PM IST

  • ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ બ્લેકમાં રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા
  • વેચેલા ઈન્જેક્શન એક્સપાયર્ડ નિકળતા સમગ્ર ભાંડો ફૂટ્યો
  • પોલીસે રંગેહાથ ઝડપ્યો, કુલ 2 આરોપીઓની ધરપકડ

સુરત: કોરોના સારવાર માટે કહેવાતી સંજીવની રેમડેસીવીર માટે એક તરફ લોકો પડાપડી કરી રહ્યા છે. ત્યારે સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા એક દર્દીના સંબંધીને રૂપિયા 7 હજાર લેખે કુલ 6 ઇન્જેક્શનો વેચ્યા હતા. જોકે, આ ઇન્જેક્શનો ડૉક્ટર પાસે પહોંચતા એક્સપાયર થયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દર્દીના સબંધીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ

આ પણ વાંચો:લખનઉમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચનારની ધરપકડ

ફરિયાદી કઈ રીતે મળ્યા ઈન્જેક્શન વેચનારને?

ફરિયાદીના સંબંધી કોરોનાની સારવાર મેળવી રહ્યા હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા વિતરણ કેન્દ્ર ખાતે રેમડેસીવીર ઈન્જેક્શન લેવા પહોંચ્યા હતા. જ્યાં એક અજાણ્યો માણસ આવીને "ઈન્જેક્શનની જરૂર હોય, તો આ નંબર પર ફોન કરજો" તેમ કહીને ચાલ્યો ગયો હતો. ફરિયાદી દ્વારા નંબર પર ફોન કરતા દિવ્યેશ સંજય પટેલના નામના વ્યક્તિ સાથે વાત થઈ હતી. જેણે 7 હજાર રૂપિયામાં એક ઈન્જેક્શન આપવાની વાત કરી હતી. જેની સાથે ફરિયાદી સહમત થતા તેમણે કુલ 6 ડૉઝ બુક કરાવ્યા હતા. જે 21 એપ્રિલના રોજ તેમને મળી ગયા હતા.

આ પણ વાંચો:કડીમાં 15,000 રૂપિયામાં રેમડેસીવીર ઈન્જેક્શન વેચતી નર્સની ધરપકડ

ઈન્જેક્શન એક્સપાયર્ડ હોવાનું કઈ રીતે માલૂમ પડ્યું?

ફરિયાદીએ દિવ્યેશ પાસેથી ઇન્જેક્શન ખરીદ્યા બાદ ડૉક્ટરને આપ્યા હતા. ડૉક્ટરે ઈન્જેક્શન દર્દીને આપતા પહેલા તેની માહિતી ચેક કરી હતી. જેમાં રેમડેસીવીરના તમામ 6 ઈન્જેક્શનો એક્સપાયર થયા હોવાનું સામે આવ્યું હતું. જેથી તબીબે ફરિયાદીને ઈન્જેક્શન બદલાવી આવવાનું જણાવ્યું હતું. જે અંગે ફરિયાદીએ દિવ્યેશને ફોન કરીને જણાવતા બીજા દિવસે ઈન્જેક્શન બદલી આપવાની ખાત્રી આપી હતી.

આ પણ વાંચો:રેમડેસીવીરના ઉપયોગ માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જુઓ આ અહેવાલમાં

5400માં ઈન્જેક્શન ખરીદીને 7,000માં વેચતો હતો

22 એપ્રિલના રોજ ફરિયાદીએ ઇન્જેક્શન બદલાવવા જતા પહેલા સરથાણા પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેથી પોલીસે છટકું ગોઠવીને ડિલિવરીના સમયે આરોપી દિવ્યેશ પટેલને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ ઈન્જેક્શન તેણે કે.પી. સંઘવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા તેના મિત્ર વિશાલ અવસ્થી પાસેથી 5400 રૂપિયામાં ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે દિવ્યેશ પટેલ અને વિશાલ અવસ્થી વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરથાણા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દિવ્યેશ સંજય પટેલ સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરના આદેશ મુજબ આ કેસને ઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details