- તાપીના ઓવારામાં ડૂબ્યા ત્રણ બાળકો
- 3 બાળકો પૈકી 2ના મળ્યા મૃતદેહ
- એક બાળકીની શોધ ખોળ હાથ ધરાઈ હતી
- અંધારુ થતાં ફાયર વિભાગને પડી હાલાકી
સુરતઃ શહેરના ઉમરા વિસ્તારમાં આવેલા દમણ ફળિયા નજીક આવેલા તાપીના ઓવારામાં ત્રણ બાળકો ડૂબી ગયા હોવાની ઘટના બની છે. આ બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં બે બાળકોનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા. જયારે હજુ એક બાળકીની શોધખોળ ચાલુ હતી. નદીમાં મળેલા મૃતદેહ બંન્ને સગા ભાઈ બહેન હોવાનું જાણવા મળી રહ્યુ છે.
ત્રણ પૈકી બે બાળકોનો મૃતદેહ મળ્યો
શહેરના ઉમરા સ્થિત દમણ ફળિયા નજીક આવેલા તાપીના ઓવારામાં ત્રણ બાળકો ડૂબી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા, જેમાં ત્રણ બાળકો ડૂબી ગયા છે ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને તાત્કાલિક કરવામાં આવી હતી. જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્રણ પૈકી બે બાળકોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જયારે એક બાળકીની શોધખોળ શરુ કરી છે. મૃત બંન્ને બાળકો સગા ભાઈ- બહેન હોવાની માહિતી મળી હતી. મૃતકોમાં આઠ વર્ષનો છોકરો અને દસ વર્ષની છોકરી હોવાની માહિતી મળી છે.
અંધારું થઇ જતા ફાયર વિભાગને પડી હાલાકી
તાપીમાં બાળકો ડૂબ્યા હોવાની માહિતી મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક બાળકોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ સાંજ પડી જતાં અધારુ થવાથી ફાયર વિભાગને 3 બાળકો પૈકી એક બાળકીની શોધ ખોળમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. અંદાજીત 1 કલાક સુધી ફાયર વિભાગે બાળકીનો મૃતદેહ શોધવાનો પ્રયત્ન કર્યો હતો.
પરિવારજનોનું હૈયાફાટ રુદન
એક સાથે ત્રણ બાળકો ડૂબી જતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ બાળકોના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાળકોના પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું. જે જોઇને ગામવાસીઓમાં પણ શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
તાપીના ઓવારામાં ત્રણ બાળકો ડૂબ્યા, 2 ના મળ્યા મૃતદેહ