સુરત: દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસના આંકડાઓ દેશ માટે ચિંતાનો વિષય છે. જો આંકડાઓ આવી જ રીતે વધે અને દેશમાં વેન્ટિલેટરની અછત સર્જાય તો શું સ્થિતિ રહેશે? આ વિચાર સાથે સુરતની સહજાનંદ એન્જિનિયરિંગ કંપનીએ દેશ માટે વેન્ટિલેટર બનાવવાનો નિર્ણય કર્યો અને તેમના આ વિચારને કારણે આજે દેશને સૌથી સસ્તું વેન્ટિલેટર મળવા જઈ રહ્યું છે.
સહજાનંદ કંપનીએ દેશનું સૌથી નાનું અને માત્ર 7 કિલોનું વેન્ટિલેટર બનાવ્યું છે. જે 230 વોટ વીજળીમાં કાર્યરત રહે છે. આ વેન્ટિલેટરમાં અગાઉથી જ એક બેટરી ઇન-બીલ્ટ કરવામાં આવી છે. જેથી જો વીજળી ના હોય તો પણ આ વેન્ટિલેટર બેટરી પર ચાલી શકે.
સુરતની આ કંપનીએ તૈયાર કર્યું દેશનું સૌથી સસ્તું વેન્ટિલેટર વેન્ટિલેટરની ખાસીયત છે કે, ઇમરજન્સીના સમયમાં એમ્બુલન્સ કે અન્ય કારની બેટરી સાથે કનેક્ટ કરી દર્દીને સમયસર હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે. કંપનીએ કટોકટીના સમયે લોકોને મદદરૂપ થવા માટે આની કિંમત માત્ર 50,000 રાખી છે.
દેશને કોરોના વાઇરસથી બચાવવા માટે આ ખાસ વેન્ટિલેટર કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના આંકડા જોઈને કંપનીના આર.એન. વિભાગે માત્ર 10 દિવસમાં આ વેન્ટિલેટર બનાવ્યું છે. આ ઉપરાંત 1 વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલને પણ આપી દેવામાં આવ્યું છે.
કંપનીએ જણાવ્યું છે કે, તે એક દિવસમાં 100 જેટલા વેન્ટિલેટર બનાવી શકે છે. જો કે, આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બને તો દિવસમાં 250 વેન્ટિલેટર બનાવી શકાય છે. વેન્ટિલેટરના કમ્પોનન્ટ એવા છે કે જે સરળતાથી મળી શકે. આ ઉપરાંત દર્દીને શ્વાસની આવશ્યકતા મુજબ આ મશીન સેટ કરી શકાય છે.