- દર્શના જરદોશને સરકારના 2 મંત્રાલયમાં સ્થાન મળતા મહિલાઓમાં ખુશી
- સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગથી જોડાયેલી મહિલાઓને નવી આશા
- ટેક્સટાઈલથી જોડાયેલી મહિલાઓ માટે નવી તક ઉભી થાય તેવી ઈચ્છા
સુરત: છેલ્લા ત્રણ ટર્મથી સુરતથી સાંસદ રહેનારા દર્શના જરદોશ(Darshana Jardosh) ને મોદી સરકારના પ્રધાનમંડળ (Cabinate Ministary)માં સ્થાન મળ્યું છે. ટેક્સટાઇલ સીટી (Textile city) સુરતથી સાંસદ રહેનારા દર્શના જરદોશને ટેકસટાઇલ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે પદભાર આપવામાં આવ્યો છે. આ સાથે તેઓ રેલ્વેમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ બનાવ્યા છે. સુરત શહેર માટે આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. એક મહિલા સાંસદને જ્યારે દિલ્હીમાં બે મહત્વના મંત્રાલયમાં સ્થાન મળે તો શહેરની મહિલાઓમાં આનંદની લાગણી સ્પષ્ટ જોવા મળે છે.
ટેક્સટાઇલથી જોડાયેલી મહિલાઓને નવી તકની આશા
સુરતની મહિલાઓએ જણાવ્યું છે કે, એક મહિલા સાંસદને જ્યારે બે મહત્વના પદ મળે ત્યારે અન્ય મહિલાઓ માટે આ મહિલા સશક્તિકરણની વાત છે. સુરતમાં અનેક ક્ષેત્રોમાં આગળ પોતે મહિલા સશક્તિકરણનો પરિચય આપનારી અનેક મહિલાઓએ જણાવ્યું હતું કે, માત્ર સુરત જ નહીં ગુજરાતમાં જે પણ ટેક્સટાઇલથી જોડાયેલી મહિલાઓ છે તેમને દર્શના જરદોશ તક આપે તેવી ઈચ્છા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં મહિલાઓ સામેલ થાય આ માટે તેઓ પોલીસી બનાવે તેવી ઈચ્છા છે.