સૂરત- સૂરત શહેરનો સરથાણા વિસ્તાર અને તેમાં આવેલ તક્ષશિલા આર્કેડની એ ગોઝારી આગ, જેણે 22 બાળકોના જીવ લીધાં હતાં 24મી મેએ તેની વરસી છે. ખૂબ જ પીડાદાયક સંસ્મરણો છોડી ગયેલાં આ અગ્નિકાંડમાં ટ્યૂશન ક્લાસીસમાં ફસાઈ ગયેલાં બાળકો લોકોની નજરોનજર આગને હવાલે થઈ ગયાં હતાં. આખું સૂરત જ નહીં, ગુજરાત અને દેશભરમાં આ દુખઃદ ઘટનાની સખેદ નોંધ લેવામાં આવી હતી.
તક્ષશિલા આર્કેડની એ આગની વરસી, આજેપણ વરસી રહ્યાં છે 16 માસૂમોના પરિવારના નયન એક વર્ષ પહેલા બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટના હજુ પણ લોકો ભૂલી શક્યાં નથી. આ હૃદયદ્રાવક ઘટનામાં 16 વિદ્યાર્થીઓ સહિત 22 લોકોનાં કરુણ મોત થયાં હતાં. જેમણે પોતાના વ્હાલસોયા બાળકને ગુમાવ્યાં એ પરિવારના સભ્યોની આંખોમાંથી આ દિવસને યાદ કરતાં જ આંસુ સરી આવે છે. તેમના માટે માત્ર કેલેન્ડર પરની તારીખ અને વર્ષના આંકડા જ બદલાયાં છે. પરંતુ 24 મી મે તેમના માટે આજે પણ જીવનનો સૌથી કાળો દિવસ છે. આજે પણ સ્વજન ગુમાવ્યાંનું દર્દ તેમને સતાવી રહ્યું છે.
તક્ષશિલા આર્કેડની એ આગની વરસી, આજેપણ વરસી રહ્યાં છે 16 માસૂમોના પરિવારના નયન આ ઘટનામાં 16 માસૂમ જીંદગીઓ આગની જ્વાળાઓમાં હોમાઈ ગઈ હતાં. જ્યારે 6 લોકોએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી છલાંગ મારી અને કાળ તેમને ભરખી ગયો. મૃતકના પરિવાર આ ઘટના જાણે કાલે જ બની હોય તેવી વિવશતા અનુભવી રહ્યાં છે. આ ઘટનાએ તેમની આત્માને ઝંઝોળી દીધી છે. કાળનો કોળિયો બની ગયેલી ગ્રીષ્મા ગજેરા કેનવાસના માધ્યમથી લોકોના જીવનમાં રંગ ભરતી હતી. પણ એની વિદાય પછી તેના પરિવારની જિંદગી બેરંગ બની ગઈ છે.
ગ્રીષ્માએ બનાવેલી તસવીરો હંમેશા તેની યાદ અપાવતી હોવાનું તેના માતપિતાએ કહ્યુ હતું. કલાકો સુધી તેના માતાપિતા આ તસવીરો હાથમાં પકડીને બેસી રહે છે અને પોતાની પરીને યાદ કરે છે. તસવીરને સ્પર્શતાં તેઓ અનુભવે છે કે, તેમની વ્હાલી દીકરી તેમની આસપાસ જ છે. ગ્રીષ્મા તેમને જોઈ રહી છે. દીકરીને હમેશાં માટે ગુમાવી દેવાનું દુઃખ ગ્રીષ્માની માતાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. તેની માતા માને છે કે હજુ પણ ગ્રીષ્માને ન્યાય મળ્યો નથી. તેઓ ઈચ્છે છે કે, જવાબદાર લોકોને સજા થાય અને આવી ઘટના બીજીવાર ન બને તેની કાળજી રખાય. આ ઘટનાના જવાબદાર એવા પાલિકા કર્મચારીઓ અને ડીજીવીસીએલના બેજવાબદાર અધિકારીઓ તો કદાચ જાડી ચામડીના હોય તો ભૂલી શકે છે પરંતુ એ માસૂમ બાળકોના પરિવાર જિંદગીભર કદી નહીં ભૂલી શકે, બસ વરસ પર વરસોના પડ ચડતાં જશે અને તેમની હૈંયાસગડી તપ્ત જ બની રહેશે.
સૂરતથી શ્વેતા સિંઘનો વિશેષ અહેવાલ..