- આઠ પોલીસ મથકમાં અશાંત ધારો લાગુ કરવાના મુદ્દે સરકારે મોટી જાહેરાત
- રાજ્ય સરકારે અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો કર્યો
- અસામાજિક તત્વો દ્વારા ધાક ધમકીથી મિલકત પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે
સુરત: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી સુરત મહાનગરના આઠ પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરેલો છે અને અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો કર્યો છે. ધારાસભ્યો અને મહાનગરના સંબંધિત વિસ્તાર વિવિધ સંસ્થાઓ સામાજિક આગેવાનોએ કરેલી રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અશાંતધારાનો હાલ પ્રવર્તમાન અવધી તારીખ 30 અને 31 જુલાઈએ પૂર્ણ થાય છે. જેને વધુ પાંચ વર્ષ લંબાવવાની સૂચના આપી છે.
મિલકતના વેચાણ કરતા અગાઉ કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે
સુરત શહેરના આઠ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાના મુદ્દે સરકારે મોટી જાહેરાત બહાર પાડી છે. શહેરના અઠવા, સલાબતપુરા, ચોક બઝાર, મહીધરપુરા, સૈયદપુરા લાલગેટ, લિંબાયત તથા રાંદેર વિસ્તારને ફરી અશાંત ધારા હેઠળ આવરી લેવાયા છે. આ તમામ વિસ્તારોમાં અશાંતધારાની પ્રવર્તમાન મુદત વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાક ધમકીથી મિલકત પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ-શાંતિ અને સલામતીનો અહેસાસ થશે એટલું જ નહીં આ વિસ્તારોમાં મિલકતના વેચાણ કરતા અગાઉ કાયદાની જોગવાઈઓ અનુસાર કલેકટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.
મુસ્લિમ કોમના લોકોએ મિલકત ખરીદી પોતાનું પ્રભુત્વ વધાર્યું છે
વર્ષ 2017માં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાના અનેક વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ કલેકટર કચેરી ખાતે કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાંદેર વિસ્તારમાં આઠ જેટલા ધર્મસ્થાનો છે અનેક સોસાયટીઓમાં મુસ્લિમ કોમના લોકોએ મિલકત ખરીદી પોતાનું પ્રભુત્વ વધાર્યું છે. જેના કારણે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ શકે છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવે.
100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી સોસાયટી થઈ
વર્ષ 2019માં લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલે જિલ્લા કલેકટર કચેરીમાં મુદ્દો ઉઠાવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે, તેમના મત વિસ્તારમાં મુસ્લિમો પોતાનું પ્રભુત્વ વધારવા માટે મોટાપાયે મકાનોની ખરીદી કરી રહ્યા છે અને તેના કારણે હિંદુઓ પર ખતરો છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, ઓમ નગરમાં 100 ટકા હિન્દુઓ રહેતા હતા પણ હવે સોસાયટીનું નામ જ ઓમ નગર છે. પણ ત્યાં એક પણ હિન્દુ રહેતો નથી. તે સમયે સંગીતા પાટીલે સાથે જણાવ્યું હતું કે, માત્ર ઓમ નગર જ નહીં, પરંતુ પ્રતાપનગર ગોવિંદા નગર ભાવના પાર્ક બુદ્ધ નગર મારુતિ નગર છત્રપતિ શિવાજી નગર સોસાયટીમાં બહુમતી હિન્દુઓની હતી પણ ત્યાં તે સમયે એક પણ હિન્દુ રહેતો નથી આ તમામ સોસાયટીઓ 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી સોસાયટી થઈ ગઈ છે.
આ પણ વાંચો:સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ લંબાઈ