- પરંપરાગત રીતે થશે વૈદિક હોળીની ઉજવણી
- ગાયના છાણમાંથી સ્ટિક તૈયાર કરવામાં આવી
- સ્ટિક માત્ર પંદર રૂપિયા કિલો અપાશે
સુરત: જિલ્લામાં હોલિકા દહન માટે મોટી સંખ્યામાં વૃક્ષ કાપવામાં આવતા હોય છે. આવા સંજોગોમાં તહેવારની ઉજવણી પણ થાય અને પર્યાવરણની જાળવણી પણ થાય તે હેતુથી સુરત પાંજરાપોળે અનોખી પહેલ કરી છે. સુરત પાંજરાપોળમાં સાડા છ હજાર જેટલી તરછોડાયેલી ગાયોના છાણમાંથી સ્ટિક બનાવવામાં આવી છે. જેના ઉપયોગથી લાકડાંની જગ્યાએ છાણની સ્ટિકથી હોલિકા દહન કરી શકાય છે.
આ પણ વાંચો:સુરતના SP ઉષા રાડાએ પોતાના નિવાસ સ્થાને બનાવી ગૌશાળા
પાંજરાપોળમાં 6500 જેટલા તરછોડેલી ગાયો રાખવામાં આવી છે
હોલિકા દહન પર્વ પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવતું હોય છે. જે પર્યાવરણને અનુલક્ષી ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે, પરંતુ આ વખતે લોકો લાકડાંની જગ્યાએ ગાયના છાણથી તૈયાર થયેલી સ્ટીકનો ઉપયોગ કરી ધામધૂમથી હોલિકા દહન કરી શકશે. જેનાથી પર્યાવરણની જાળવણી પણ થઈ શકે છે અને પાંજરાપોળમાં રહેતી હજારોની સંખ્યામાં ગાયોને પણ સારું ભરણપોષણ મળી શકે છે. આ બન્ને હેતુથી સુરતના પાંજરાપોળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.