સુરત: શહેરના માંડવી વિસ્તારમાં રહેતા સ્ટોન ક્વોરીના માલિક દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં હજી ગ્રામ્ય પોલીસ આરોપીઓને પકડી શકી નથી. આ કેસમાં સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવતા PI લક્ષ્મણ બગદાણા પોલીસ કર્મચારી અજય ભોપાળા અને કિરણ સહિત કુલ 11 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ગુનામાં સામેલ આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે ત્યારે સુરત જિલ્લા રેન્જ આઇજી દ્વારા ખાસ SITની રચના કરવામાં આવી છે. જેમાં બે PI, એક DYSP, PSI સહિત 20 જેટલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ દ્વારા હાલ સમગ્ર ઘટનાની હાલ તપાસ કરવામાં આવશે.
સુરતના પાટીદાર આગેવાન અને સ્ટોન ક્વોરી માલિકની આત્મહત્યા મામલે SITની રચના કરવામાં આવી - surat based stone quarry owner durlabh patel
સુરતના રાંદેર પોલીસ મથકના PI સહિત અન્ય 3 પોલીસ કર્મચારીઓ મળી કુલ 11 લોકોના માનસિક ત્રાસથી કંટાળી પાટીદાર આગેવાન અને સ્ટોન ક્વોરીના માલિક દુર્લભ પટેલની આત્મહત્યા મામલે જિલ્લા પોલીસ દ્વારા ખાસ SITની રચના કરવામાં આવી છે. જેથી ઝડપથી રહસ્ય પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યું હતું કે,આ કેસમાં કોઈ પણ શખ્સને છોડવામાં નહીં આવે. પોલીસ કર્મચારીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાને ત્રણ થી ચાર દિવસ જેટલો સમય વીતવા આવ્યો પરંતુ આરોપીઓ હજી પોલીસ પકડમાં આવ્યા નથી. આ કેસમાં આરોપીઓ તરીકે PI કક્ષાના અધિકારી સહિત પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. જેથી ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોય તેમ જણાઇ રહ્યુ છે.
આ કેસમાં આરોપીઓની ધરપકડ થાય અને ઝડપથી કેસ આગળ વધે તે માટે SIT દ્વારા હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા આરોપીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે તમામ શોધખોળ હાથ ધરી છે.