અમરોલીના પંચશીલ નગર ખાતે આવેલ તારવાડી વિસ્તારમાં રહેતા દલિત પરિવારની સોળ વર્ષીય પુત્રીની સપ્તાહ પહેલા શંકાસ્પદ હાલતમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શામરાવ ખેરનારની સોળ વર્ષીય પુત્રી પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ હતી, જે અંગેની ફરિયાદ પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. જો કે બીજા દિવસે અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આવેલ અને નિર્માનાધિન થઈ રહેલા એન્ટલિયા એપાર્ટમેન્ટના સાતમા માળેથી કિશોરી કિરણ ખૈરનારનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સુરતમાં દલિત સમાજની કિશોરીના શંકાસ્પદ મોતને લઈ ઘેરાતું રહસ્ય - દલિત સમાજ
સુરત: અમરોલી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના સાતમા માળેથી સોળ વર્ષીય કિશોરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલે દલિત સમાજ અને પરિવાર ન્યાયની માગ સાથે બુધવારના રોજ સુરત પોલીસ કમિશ્નર કચેરી રજુઆત માટે પહોચ્યું હતું. પરિવાર અને સમાજ અમરોલી પોલીસની કામગીરીથી અસંતોષ છે. જેથી આ ઘટનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ અથવા CIDને સોંપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ ઘટના બાદ અમરોલી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી. આજે ઘટનાને એક સપ્તાહ જેટલો સમય વીત્યા છતાં પોલીસે કોઈ નક્કર તપાસ ન કરી હોવાનો આરોપ પરિવાર અને સમાજના લોકોએ કર્યો છે. પરિવાર અને દલિત સમાજને શંકા છે કે, કિશોરીની આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરવામાં આવી છે. જેની તટસ્થ તપાસ કરવામાં આવે.
પરિવાર અને સમાજમાં મોટી સંખ્યામાં રજુઆત લઈ બુધવારના રોજ સુરત પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા. પરિવાર અને સમાજના લોકોએ ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સમાજના લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, આ ઘટનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ અથવા સીઆઇડીને સોંપવામાં આવે નહીંતર આગામી દિવસોમાં દલિત સમાજ ઉગ્ર આંદોલન કરશે.